આશરે સાત વર્ષથી ભારતમાં રહેતા પાકિસ્તાનના ૫૦૬ જેટલા નાગરિકોએ લોંગ ટર્મ વિઝા અને કાયમી નાગરિકત્વ મેળવવા કરેલી અરજીના સંદર્ભમાં રાજકોટમાં આઠમી જુલાઈથી નવી કલેકટર કચેરી ખાતે બે દિવસીય કેમ્પ શરૂ કરાયો હતો. પ્રથમ દિવસે આઠ જેટલા અરજદારોએ કાયમી નાગરિકત્વ મેળવવા રજૂઆત કરી હતી. આઠમીએ જ ૨૪ જેટલા લોંગ ટર્મ વિઝાના અરજદારોની અરજી અધિકારીઓએ સ્વીકારી હતી. પ્રથમ દિવસે કુલ ૧૮૮ લોકોને અને બીજા દિવસે આશરે સવાસોથી વધુ લોકોના પ્રશ્નોની ચર્ચા કરી હોવાનું કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શહેર અને જિલ્લામાં સાત વર્ષ કરતાં પણ વધુ સમયથી રહેતા અને પાસપોર્ટ - વિઝા ધરાવતા પાકિસ્તાની હિન્દુ ને શીખ સંપ્રદાયના લોકોને લોંગ ટર્મ વિઝા આપવા વર્ષ ૨૦૦૫થી પડતર રહેલી કેન્દ્રના ગૃહ ખાતાની અરજીઓની સુનાવણી ડાયરેકટર રાજલક્ષ્મી દેવરાજ અને સેક્રેટરી ઈશિતા પોલની હાજરીમાં કરાઈ હતી.
• યાત્રિકના ભોજનમાં રંધાયેલો વાંદો નીકળ્યોઃ મુંબઈથી રાજકોટ જેટ એરવેઝની ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરતાં જીજી ગ્રુપના ચેરમેન બિરજુ સલ્લાને પીરસવામાં આવેલા ભોજનમાં રંધાયેલો વંદો નીકળતાં આ મુસાફરની હાલત કફોડી થઈ ગઈ હતી. તેમની તબિયત બગડવા માંડતાં તેમણે એરવેઝના ક્રૂ સ્ટાફને ફરિયાદ કરી હતી, પરંતુ તેમને તબીબી મદદ આપવાને બદલે માત્ર ખોરાક બદલી આપવાની તૈયારી સાથે એરવેઝ કંપનીએ માફી માગી હતી. મુંબઈના પેડર રોડ પર રહેતા ૩૫ વર્ષના બિરજુ સલ્લા જેટ એરવેઝની ફ્લાઈટમાં સાતમી જુલાઈએ સવારે મુંબઈથી રાજકોટ બિઝનેસ ટ્રીપ પર જવાના માટે રવાના થયા હતા. ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં તેમને પરાઠા, કોઈસા, ફ્રૂટ્સ તથા ચના-મસાલા ભોજનમાં પીરસાયા હતા.
• ઘેડમાં નવા પુલ માટે રૂ. ૧૫ કરોડ મંજૂરઃ પોરબંદરમાં આવેલા ઘેડ પંથકનો ૧૧૫ વર્ષ જૂનો બ્રિજ વર્ષોથી બિસ્માર હાલમાં હતો. તે બ્રિજ તૂટી પડે તે પહેલાં નવા બ્રિજ માટે રૂ. ૧૫ કરોડ મંજૂર થઈ ગયા છે અને ટૂંક સમયમાં તેનું કામ ચાલુ થવાના સમાચાર મળતાં આ વિસ્તારના રહેવાસીઓને પણ રાહત થઈ છે.
• અમરનાથ યાત્રામાં સૌરાષ્ટ્રના ૨૦૦થી વધુ યાત્રાળુઓ ફસાયાઃ કાશ્મીરમાં આતંકવાદી બુરહાનનું અથડામણમાં મૃત્યુ થયા બાદ હિંસાત્મક તોફાનોના વાતાવરણ સંદર્ભે અમરનાથ યાત્રા અટકાવી દેવાતાં સૌરાષ્ટ્રના ૨૦૦થી વધુ યાત્રિકો અમરનાથ યાત્રાના રસ્તામાં ફસાયા છે જેમાં જામનગરના દસ યાત્રિકોનો કોઇ સંપર્ક થતો ન હોવાથી તેમના પરિવારજનોને ચિંતા ઘેરી વળી છે. અન્ય આશરે ૯૦ જણા સંપર્કમાં હોવાથી સહી સલામત હોવાનું જાણવા મળ્યું છે. જૂનાગઢ જિલ્લાના ૧૨૨, ઉનાના ૫૫ સહિત બસો જેટલા યાત્રાળુઓ હાલ ત્યાં કપરી પરિસ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું છે. સંપર્કમાં રહેતા યાત્રીઓ પાસેથી ત્યાં રહેવા, જમવાના તથા પીવાના પાણીના ૪ ગણા ભાવ આપવા પડતાં હોવાનું જાણવા મળ્યું છે.
• પાટડી પાસે કેનાલમાં કાર ખાબકતાં ત્રણનાં મૃત્યુઃ પાટડીના વડગામ નજીક નર્મદા કેનાલમાં કાર પડવાના કારણે ગામા નાડોદા સમાજના યુવાન ભરતભાઈ હમીરભાઈની નજર સામે જ તેની પત્ની રામુબહેન ઉર્ફે રમીલાબહેન, પુત્ર ભોલુ ઉર્ફે વિશાલ અને મિત્ર તેમજ કૌટુંબિક ભાઈ જયેશ ઉર્ફે જગમાલ જીવણભાઈના કરુણ મૃત્યુ નીપજ્યાં હતાં. પાટડીના વડગામના નાડોદા સમાજના ભરતભાઈ પરિવાર અને મિત્ર સાથે અંબાજી દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે સામેથી આવેલી ટ્રકથી બચવા જતાં કાર રેલિંગ તોડીને નર્મદા કેનાલમાં ખાબકી હતી.
• સાંદીપનિમાં ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ સહિત વિવિધ કાર્યક્રમોઃ ભાગવત કથાના માધ્યમથી વિશ્વભરમાં વિખ્યાત ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ૧૮ અને ૧૯ જુલાઈ એમ બે દિવસ માટે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઊજવવામાં આવશે.