રાજકોટ: રાજકોટમાં પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે સભા ગજાવ્યા બાદ બીજા દિવસે ૩૦મી નવેમ્બરે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાના કહેવા મુજબ નરેશભાઈએ પાટીદાર સમાજમાં ૬૦ ટકા વર્ગ એવો છે કે, ગરીબ છે. તેના માટે કંઈક કરવું જોઈએ માત્ર તેવો વાર્તાલાપ જ હાર્દિક સાથે કર્યો હતો.
મિટિંગ બાદ હાર્દિક પટેલે એવું ટ્વિટ કર્યું હતું કે નરેશભાઈ સાથે મારે ૧૫ મિનિટ ચર્ચા ચાલી. નરેશભાઈએ એવું કહ્યું હતું કે, જે કરો તે ઇમાનદારીથી કરજો, માતાજીની સાક્ષીએ કરજો, અમે તમારી સાથે છીએ. હાર્દિકના આ ટ્વીટને લઈને અનેક પ્રકારના તર્ક વિતર્કો વહેતા થયા છે.
જોકે, ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાના કહેવા મુજબ હાર્દિક અને નરેશભાઈ વચ્ચે માત્ર એક શુભેચ્છા મુલાકાત સિવાય બીજું કશું જ ન હતું. કોઈ પક્ષની તરફેણ નહીં, કોઈ વિરોધ નહીં. કોઈ રાજકીય ચર્ચા થઈ ન હતી. નરેશભાઈએ હાર્દિકને માત્ર એટલું જ કહ્યું હતું કે, પાટીદાર સમાજમાં ૬૦ ટકા વર્ગ એવો છે કે, જે ખરેખર ગરીબ છે. તેમના માટે કંઈક કરવું જોઈએ.