રાજકોટઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે આજી ડેમ ખાતે ચૂંદડી, શ્રીફળ અને પુષ્પો અર્પણ કરી અને નર્મદા નીરનાં ભાવભર્યાં વધામણાં કર્યાં હતા. બાદમાં ઉપસ્થિતિ જન મેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ન્યારીની વાત ન્યારી, આજી કરે રાજી. નર્મદાનાં નીર રાજકોટના ડેમમાં પધાર્યા અને રાજકોટ રાજી રાજી થયું ત્યારે રાજીપામાં સહભાગી બનવા આવેલા વડા પ્રધાને ભારે ગર્વ અને સંતોષ સાથે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની અવિરત મહેનત અને એક એક પૈસાના સદઉપયોગ તથા ઇજનેરી કૌશલ્યને કારણે છેક ૪૭૦ કિલોમીટર દૂરથી નર્મદાનાં નીરને આજી ડેમ સુધી લાવવાનું શક્ય બન્યું છે. કોંગ્રેસનું નામ લીધા વગર તેમણે ભૂતકાળમાં નર્મદા યોજનામાં નાખવામાં આવેલા રોડાંને યાદ કરીને હળવા પ્રહારો પણ કર્યા હતા.
નીર પરમાત્માના પ્રસાદસમા છે. નીર પારસ સ્વરૂપી છે જેના થકી સૌરાષ્ટ્ર સોનાનું બનશે, સૌરાષ્ટ્ર સમૃદ્ધ બનશે. તેમણે સામાજિક દાયિત્વને આગળ વધારતાં તેમણે લોકોને પાણી બચાવવા અપીલ કરતાં કહ્યું હતું કે, ‘હું વડા પ્રધાન તરીકે તમારી પાસે ભીખ માંગું છું કે પાણી બચાવજો.’
શહેરમાં વડા પ્રધાનની ઉપસ્થિતિમાં ત્રણ યોજનાનું લોકાર્પણ કરાયું હતું. એક તો, નર્મદાના નીરનું ખાલીખમ આજી ડેમમાં અવતરણ, બીજું, શહેરના તમામ વિસ્તારમાં સમાન જળવિતરણ માટેની એક્સપ્રેસ ફીડર લાઈન અને ત્રીજું, ન્યારી ડેમના સંગ્રહક્ષમતા વર્ધક પ્રોજેક્ટનું લોકાર્પણ. જન્માષ્ટમી પૂર્વે આજી ડેમ ઓવર ફ્લો કરવા સરકારની યોજના છે.
મોદીએ જણાવ્યું હતું કે, કેશુભાઇ, આનંદીબહેન અને પોતાના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ તથા વિજય રૂપાણી સહિતનાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, ભાજપની તમામ સરકારોએ સૌરાષ્ટ્રને પાણી-પાણી કરવા માટે રાતદિવસ એક કર્યા છે. અને તેની ફળશ્રુતિરૂપે નર્મદાનાં નીર સૌરાષ્ટ્રને લીલુંછમ અને પાણીયારું બનાવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, દીર્ધદૃષ્ટિવાળી સરકાર હોય, જનસુખાકારી માટે સમર્પિત સરકાર હોય અને જેના હૈયામાં સામાન્ય માનવીના જીવન સુધારવાનું લક્ષ્ય હોય તે સરકાર શું કરી શકે તેનું ઉદાહરણ ‘સૌની’ યોજનાની સફળતામાંથી મળે છે.
તેમણે ઉમેર્યું હતું કે, પાણીની કિંમત શું હોય તે સૌરાષ્ટ્ર-કચ્છની પ્રજા સારી રીતે જાણે છે. પણ હવે પાણીની છૂટ થાય ત્યારે ભૂતકાળ ભૂલવો જોઇએ. પાણીનું એક એક ટીપું બચાવવા તેમણે લોકોને અપીલ કરી હતી. પોતાના ઉદ્દબોધનમાં તેમણે સૌરાષ્ટ્ર-કચ્છના ભાવિ વિકાસ માટેના અન્ય આયોજનો અંગે પણ ઉલ્લેખ કર્યો હતો.
રાજકોટને વંદન
૨૦૦૨માં પ્રથમ વખત રાજકોટમાં વિધાનસભાની ચૂંટણી લડીને રાજકીય કારકિર્દીનો આરંભ કરનારા નરેન્દ્ર મોદીએ રાજકોટ સાથેના તેના સંસ્મરણો તાજા કરતાં ત્યાં સુધી કહ્યું હતું કે, જો રાજકોટમાંથી મને જીતાડવામાં ન આવ્યો હોત તો આજે હું દિલ્હીની ગાદી ઉપર ન હોત. આ શહેરને હું નમન કરું છું. આજે રાજકોટમાં સૌથી નોંધપાત્ર બાબત એ રહી હતી કે, જંગી બહુમતીથી દેશના વડા પ્રધાન પદે બિરાજતાં નરેન્દ્ર મોદીએ અત્યંત શાલિનતા સાથે દિવ્યાંગોના કાર્યક્રમમાં હૃદયસ્પર્શી વક્તવ્ય આપી પૂરા દેશને દિવ્યાંગો સાથે સંવેદના દર્શાવવા ભાવસભર અપીલ કરી હતી.