રાજકોટઃ કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા રાજકોટ પાસે આવેલા લોધીકા તાલુકાના પારડી ગામમાં ૨૩મી જાન્યુઆરીએ હતા ત્યારે તેમણે લોકોનાં ક્રોધનો સામનો કરવો પડ્યો હતો. પાણીના પ્રશ્ને મહિલાઓને જબરજસ્ત આક્રોશ વ્યક્ત કરતાં અને આબરૂ જવાનો ડર લાગતાં જ પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા રીતસર કાર્યક્રમમાંથી ભાગી છૂટ્યા હતા. ભૂતકાળમાં પણ એક ગામમાં તેઓ ગયા ત્યારે મહિલાઓએ તેમને પાછા કાઢ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.
પારડી ‘જલ સે નલ’ યોજના અંતર્ગત રૂ. ૨ કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકામોનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુંવરજી બાવળિયા અને ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા સહિતના નેતાઓ વગેરે હાજર રહ્યા હતા.
બીજી બાજુ આ ગામનો પાણીનો પ્રશ્ન લાંબા સમયથી અદ્ધરતાલને કારણે ગ્રામજનો અને મહિલાઓમાં ભારે આક્રોશ હતો. પાણીની સમસ્યાથી ક્રોધે ભરાયેલી મહિલાઓ પ્રધાન બાવળિયાને જોઈને વિફરી હતી. મહિલાઓએ બાવળિયા સમક્ષ પોતાનો પ્રશ્ન ક્રોધથી મૂકતાં કહ્યું હતું કે, રોજિંદું જરૂરિયાત પૂરતું પણ પાણી નથી મળતું. મહિલાને શાંતિથી સમજાવવાના પ્રયાસો નિષ્ફળ ગયા હતા. એટલું જ નહીં ઉગ્ર રજૂઆતો શરૂ થતાં કુંવરજી બાવળિયાને કાર્યક્રમ છોડીને ભાગવું પડ્યું હતું.