પાલિતાણાઃ જૈનોના પવિત્ર યાત્રાધામ સ્થળ પાલિતાણાના શત્રુંજય પર્વતથી અંદાજે ૧૫ કિ.મી. દૂર આવેલ કંજરડા ગામના ડુંગરાઓમાં ગત શનિવારે સવારના અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગની જ્વાળા અને પવનની દિશા જોતાં બપોર સુધીમાં આગ કાબૂમાં આવે તેવી વન વિભાગે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પવનની ધીમી ઝડપના કારણે આગ પણ ધીમી ગતિએ આગળ વધી હતી. રાત્રી દરમિયાન પાલિતાણા પંથકમાં આવેલ આદપુર પંથકના ડુંગરાઓ તથા ભાડવા ડુંગરાઓમાં આગ પ્રસરતા તે બેકાબૂ બની હતી. આ અગનજ્વાળાઓ પાલિતાણા શહેર સુધી દેખાતા તંત્ર પણ દોડતું થયું હતું. બનાવની ગંભીરતાને લઇ મોડીરાત્રે જિલ્લાભરમાંથી વન વિભાગના અધિકારીઓ, કર્મચારી સહિતનો ૧૦૦થી વધુ કર્મચારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આશરે ૩૦૦ લોકો તથા ૧૦૦ કર્મચારીઓએ કરેલાં ૩,૦૦૦ માનવકલાકના શ્રમ થકી અંદાજે ૧૭ કલાકની જહેમતના અંતે રવિવારે પરોઢે આગ કાબૂમાં આવી હતી. અંદાજે ૧પ૦ હેક્ટર ફોરેસ્ટની જમીન સહિત કુલ ૩૫૦ હેકટર જમીનમાં આગ પ્રસરી હતી.