અમદાવાદઃ તાજેતરમાં અક્ષય તૃતીયાના દિવસે પાલીતાણામાં આચાર્ય રાજયશસૂરિશ્વરજી મહારાજ સાહેબ આદિ ગુરુભગવંતોની નિશ્રામાં ૬૦૦ જેટલા વર્ષીતપના તપસ્વીઓએ ઈક્ષુરસથી પારણા કર્યાં હતાં. આ પ્રકારના કાર્યક્રમનું આયોજન દર વર્ષે આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે તપોવન સંસ્કૃતિ પાઠશાળામાં બોડેલી વિસ્તારનો અજૈન બાળક વિકાસ સંસ્કૃતના અભ્યાસ માટે દાખલ થયો હતો. જ્યાં તે જૈન ધર્મ અનુસાર રહેતાં અને ધર્મનું જ્ઞાન અને સમજ મેળવતાં તેણે કંદમૂળ, રાત્રિભોજન, અભક્ષ્ય ખાન-પાન બંધ કરી દીધાં હતાં. આ સાથે સાથે ૧૩ મહિનાનું ભીષ્મતપ નાની વયમાં શરૂ કર્યું હતું. બાળકના તપની પૂર્ણાહુતિ તપોવન પરિસરમાં મુનિ હંસબોધિવિજયજી મ. સા. તથા ધર્મબોધિવિજયજી મ. સા.ની પાવન નિશ્રામાં થઈ હતી. તપોવન પરિવારે વિકાસનું બહુમાન કરી શેરડીના રસથી શ્રાવકને પારણું કરાવ્યું હતું. જૈન પ્રભુજી આદિનાથની ૪૦૦ ઉપવાસની ઘોર તપશ્ચર્યાની યાદના પ્રતીકરૂપે જૈનધર્મીઓ ૧૩ મહિનાના વર્ષીતપની આરાધના કરે છે. હજારો જૈનોએ ૧૩ મહિના અગાઉ વર્ષીતપનો પ્રારંભ કર્યો હતો.