ભાટિયાઃ જામકલ્યાણપુર તાલુકાના પીંડારા ગામે આવેલા પીંડતારકમાં પાંડવોના સમયથી ૫ હજાર વર્ષ પૂર્વેથી ચાલી આવતી પરંપરા મુજબ મલ્લકુસ્તી મેળો યોજાયો હતો. ૨૮મીએ યોજાયેલા આ મેળામાં કુસ્તીબાજોના બળાબળના પારખાં થયા હતા. આ મેળામાં ભાગ લેવા દ્વારકા જિલ્લામાંથી મલ્લો ઉમટી પડ્યા હતા. પાંચ હજાર વર્ષથી શ્રાવણી અમાસના દિવસે યોજાયેલા આ મેળાનું આયોજન ઘણાં વર્ષોથી પીંડારા ગ્રામ પંચાયત દ્વારા કરાય છે. તેમાં કલ્યાણપુર, દ્વારકા, ખંભાળિયા તથા ભાણવડ તાલુકાના અનેક કુસ્તીબાજોએ ભાગ લીધો હતો.
લોકવાયકા મુજબ કુરુક્ષેત્રના યુદ્ધમાં કુરુકુળનો સંહાર થયા પછી દ્વારકાધીશની આજ્ઞાથી કૌરવોનાં મોક્ષ માટે પાંડવોએ સમગ્ર ભારત વર્ષના દરેક તીર્થક્ષેત્રમાં પીંડદાન માટે પરિભ્રમણ કર્યું હતું, પણ ક્યાંય કૌરવનો આત્માના મોક્ષનું પ્રમાણ પ્રાપ્ત ન થયું એટલે ભગવાન દ્વારકાધીશજીની સાથે પાંડવો પીંડારામાં દ્વારકાધીશના ગુરુ દુર્વાસા પાસે પધાર્યા અને કૌરવોના મોક્ષ માટે વિનંતી કરી. દુર્વાસાના આચાર્યપદે શ્રાદ્ધવિધિ કરી લોખંડના પીંડનું દાન કર્યું હતું પીંડ કુંડના જળની સપાટી પર લાકડાના ટુકડાની જેમ તરવા લાગ્યા. જેથી પાંડવોને ખાતરી થઈ કે કૌરવોના આત્માનો મોક્ષ થઈ ગયો.
આ બાબતે સૌથી વધુ આનંદ પાંડુપુત્ર ભીમને થયો હતો કારણ કે ભીમના હાથે જ બધા કૌરવોનો સંહાર થયો હતો એટલે એ ખુશીમાં ભગવાન દ્વારકાધીશના સાંનિધ્યમાં પીંડારામાં એક મેળાનું આયોજન કરાયું હતું. પાંડુપુત્ર ભીમ પોતે મલ્લવિદ્યાનો જાણકાર અને મલ્લકુસ્તીનો શોખીન હતો એટલે તે જ દિવસે મેળાવડામાં મલ્લકુસ્તીનું આયોજન કરાયું અને ત્યારથી પીંડારાના મેળામાં મલ્લકુસ્તીનું આયોજન થતું હોવાની વાયકા છે.
પાંચ હજાર વર્ષ જૂની પરંપરા
પાંડવોએ શ્રાવણ વદ ચૌદશના દિવસે શ્રાદ્ધ કર્યું અને કૌરવને મોક્ષ અપાવેલ એટલે શ્રાદ્ધના બીજા દિવસે એટલે કે શ્રાવણ વદ અમાસના દિવસે પાંડવોએ મેળાવડાનું આયોજન કર્યું. બસ ત્યારથી પીંડારામાં શ્રાવણ વદ અમાસના દિવસે મેળો યોજાય છે તેવી વાયકા હોવાનું પીંડારા ગુરુપીઠ ગાદીસેવક જીતેન્દ્રભાઈ ગોરે જણાવ્યું હતું.
પુરાણોમાં પણ ઉલ્લેખ
પ્રાચીન પીંડતારક ક્ષેત્રનો તીર્થસ્થાન તરીકે પુરાણોમાં પણ ઉલ્લેખ છે. હરિવંશ પુરાણમાં લખ્યા મુજબ મહાભારતના યુદ્ધ પછી મૃતાત્માઓના મોક્ષ માટે અહીં લોખંડના પીંડ તારવ્યા હતા. અહીં સમુદ્રમાં અંદાજિત ૪ કિ.મી. અંદર પાંડવોના સમયનો એક તાંબાનો કુંડ છે. અમાસે ઓટના સમયે તેના દર્શન થાય છે. હાલ સમુદ્ર કિનારે કુંડ બનાવાયો હોઈ ત્યાં લોકો પિતૃતર્પણની વિધિ કરવા ભાદરવા માસમાં ઉમટે છે.