રાજકોટઃ રાજકોટમાં આવેલી આજી વસાહતનાં મહેશભાઈ સોલંકી (ઉ.વ. ૪૫)એ ૨૩મીએ વહેલી સવારે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ૯મી ડિસેમ્બરના રોજ તેની વચેટ પુત્રી આરતીનાં લગ્ન હતા, પરંતુ નોટબંધીને કારણે સગાસંબંધીઓ, મિત્રો પણ નાણાની સહાય કરી શકે તેમ નહોતા. મહેશભાઈ અગાઉ ડ્રાઈવિંગ કરતા હતા. બે વખત હાર્ટએટેક આવી જતાં છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. મોટી પુત્રી પૂજાનાં લગ્ન થઈ ગયા છે. બીજી પુત્રી આરતીના ૯મી ડિસેમ્બરે લગ્ન હતાં. પુત્ર અજયનાં જણાવ્યા પ્રમાણે, ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી નોટબંધી પહેલાં પિતાએ આરતીના લગ્ન માટે સગાસંબંધીઓને આર્થિક મદદ માટે કહ્યું હતું, પણ નોટબંધીના કારણે સૌ પાછા ખસી ગયા હતા અને રૂપિયાની વ્યવસ્થા થઈ નહોતી. ઉપરથી રોજ નોટબદલી માટેના ધક્કા થતા હતા. રાત્રે જમીને તેઓ ટીવી જોતા હતા ત્યારે નોટબંધીના સમાચાર જોઈને વધુ ડિપ્રેશનમાં આવી ગયા હતા. ત્યારબાદ સુવા જતાં રહ્યા હતા અને વહેલી સવારે પૈસાની વ્યવસ્થા કરવા જવાનું છે તેમ કહી ફરીથી રૂમમાં જતા રહ્યા અને ગળાફાંસો ખાઈ લીધો હતો. લગ્નની ચિંતામાં મહેશભાઈએ આ આત્મઘાતી પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પોલીસે આ કેસની વધુ તપાસ જારી રાખી છે.