રાજકોટઃ શહેરના રજપૂતપરામાં આવેલા જીવંતિકા મંદિરે દર વર્ષે ૧૫૦થી વધુ વિધવાઓને જમાડાય છે. એટલું જ નહીં તમામ વિધવાઓને ભેટમાં સાડી, મુખવાસ, ફ્રૂટ અને દક્ષિણા પણ અપાય છે. સામાન્ય રીતે બ્રાહ્મણો કે બટુકોને ભોજન પ્રચલિત છે, પણ રાજ્યભરમાં શક્યતઃ એકમાત્ર રાજકોટમાં આવેલા રજપૂતપરામાં ૧૫૦થી વધુ વિધવાઓને ભોજન કરાવીને ભેટ આપવામાં આવે છે. છેલ્લા ૪૦ વર્ષથી એવી પ્રણાલિકા ચાલી રહી છે.
મંદિરના પૂજારી ઓમપ્રસાદ દવે કહે છે કે, પતિ ગુમાવે એવી સ્ત્રીને આજે પણ સમાજમાં ક્યાંકને ક્યાંક અપશુકનિયાળ મનાય છે આ માન્યતાને નાબૂદ કરીને વિધવાનું સન્માન કરો એવા સંદેશ સાથે આ પ્રણાલિકા છેલ્લા ૪૦ વર્ષથી ચાલે છે. ઓમપ્રસાદ દવે કહે છે કે, વિધવાઓને પણ મા જગદંબાનું સ્વરૂપ માનીને દર વર્ષે આ ઉત્સવ માનવીએ છીએ અને માતાજી ખુદ આંગણે પધાર્યા હોય એવો જ ભાવ અમે વિધવા બહેનો માટે વ્યક્ત કરીએ છીએ.
વિધવાઓને જમાડવાનો એવરેજ ખર્ચ રૂ. ૭૫૦૦૦ જેટલો થાય છે કારણ કે, જમવાની એક થાળી એવરેજ રૂ. ૧૫૦ની થાય છે સાથે મંદિર તરફથી દરેક વિધવાઓને રૂ. ૨૫૦થી ૩૦૦ની કિંમતની સાડી અને ફ્રૂટ ભેટમાં અપાય છે. આ ઉપરાંત દરેક વિધવા બહેનોને રૂ. ૧૫૦ જેટલી દક્ષિણા પણ અપાય છે.
આ તમામ ખર્ચ મંદિરના પૂજારી ભોગવે છે. આ માટે કોઈપણ પ્રકારનો ફંડ-ફાળો કરાતો નથી.
ઓમપ્રસાદ દવે જણાવે છે કે, મારા પિતાજીએ આ પ્રણાલિ શરૂ કરી હતી પછી અમે આ પ્રથા ચાલુ રાખી છે. આર્થિક રીતે પહોંચી ન શકાય એટલા માટે વર્ષમાં એક જ વખત આવું કાર્ય કરીએ છીએ. અન્ય કોઈ વ્યક્તિ પણ આ સેવાયજ્ઞમાં જોડાવવા ઈચ્છે તો જોડાઈ શકે છે. જેમ કુંવારિકા માતાજીનું સ્વરૂપ છે એમ જ વિધવાઓ પણ માતાજીનું સ્વરૂપ છે એવું અમે માનીએ છીએ.