સુરેન્દ્રનગરઃ જિલ્લાના બામણબોર જમીન કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર મનાતા તત્કાલીન અધિક કલેક્ટર ચંદ્રકાંત પંડ્યાની ધરપકડ કરાઈને એન્ટી કરપ્શન બ્યુરોએ કરેલી તપાસમાં આ પૂર્વ અધિકારી પાસે આવક કરતાં ૮૮.૨૪ ટકા વધુ આવક મળી આવી હોવાનું કહેવામાં આવ્યું છે. આ આવકનો આંકડો રૂ. ૬,૭૪,૦૮,૨૧૩ની બેનામી સંપત્તિ હોવાનો ધડાકો થયો છે. બેનામી સંપત્તિ મળી આવતા એસીબીએ તેમની સામે ગુનો દાખલ કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રહેલા અને હાલ રાજકોટના બામણબોર પંથકમાં એરપોર્ટ બનાવવાની જાહેરાત થતાંની સાથે અહીંની વીડની જમીન રાતોરાત કરોડોની થઈ ગઈ હતી અને આથી જ સરકારી કાગળ અને કોર્ટના વિવાદમાં પડેલી આ જમીન રાજકોટના બિલ્ડરોને વેચી દેવાનું મોટું કૌભાંડ તત્કાલીન અધિક કલેક્ટર ચંદ્રકાંત પંડ્યા સહિતની ટોળકીનો ભાંડો ફૂટી ગયો હતો. હાલ અધિક કલેક્ટર પંડ્યા એસીબીના કેસમાં જેલમાં છે.