જામનગર: જામનગરમાં હાથી કોલોનીમાં રહેતા દિવ્યાબહેન હિતેષભાઇ કોરડિયાએ જિલ્લા પોલીસ સુપરીટેડેન્ટને તાજેતરમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, તેમના લગ્ન ૧૮ વર્ષ પહેલાં પૂર્વ સાંસદ સભ્ય અને હાલમાં જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ વાલજીભાઇ કોરડિયાના પુત્ર હિતેશ સાથે થયાં હતાં. આ લગ્નજીવનથી તેઓ હાલમાં ૧૧ વર્ષનાં પુત્રનાં માતા છે. તેમનો ઘરસંસાર બરાબર ચાલી રહ્યો હતો, પણ તેમના હાથમાં એક ઓડિયો ક્લિપ આવી છે જેમાં તેમની તથા તેમના પુત્રની કોઇ પણ રીતે હત્યા કરવાનું કાવતરું પરિવાર રચતો હોય તેવું જણાય છે. ૪૦ મિનિટની ઓડિયો ક્લિપમાં સસરા ચંદ્રેશભાઇ, પતિ હિતેષ, દિયર વિપુલ અને ચંદ્રેશભાઇના પી.એ. મુકુન્દભાઇ સભાયાના નામ છે.
દિવ્યાબહેને જણાવ્યું છે કે, કાવતરા પ્રમાણે હિતેશ આ વર્ષની વીસમીથી પચ્ચીસમી મે સુધી મને દિલ્હી, હરદ્વાર તથા ઋષિકેશ વગેરે સ્થળે ફરવા લઇ ગયો હતો. જ્યાં મારી હત્યા થવાની હતી, પણ ત્યાં હું બીમાર પડતાં પ્લાન નિષ્ફળ ગયો હતો. રાજકીય ગુંડાઓ મારફત મારી અને મારા પુત્રની હત્યા કરાવીને આપઘાત કે અકસ્માતમાં ખપાવી દેવાનું પણ ઓડિયો ક્લિપમાં થયેલા વાર્તાલાપમાં છે. પતિ હિતેશને દારૂનું વ્યસન હોઈ તેમની વચ્ચે અવારનવાર મારકૂટના કારણે શક્યતઃ આ કાવતરું ઘડાઈ રહ્યાનું જણાવી રક્ષણ માગ્યું છે.