મેંદરડા: વનરાજ સિંહ સામાન્ય રીતે ઘાસ નથી ખાતો. આ માન્યતાને ખોટી પાડતો એક વીડિયો તાજેતરમાં ફરતો થયો છે. વીડિયોમાં સિંહને ઘાસ ખાતો બતાવાયો છે. જોકે નિષ્ણાતો કહે છે કે, વાસ્તવિકતા એ છે કે સિંહ જેવા જાનવરોને પેટમાં તકલીફ થાય ત્યારે ઊલટી કરવા માટે ઘાસ ખાતા હોય છે.
તાજેતરમાં વાયરલ થયેલો વીડિયો કયા વિસ્તારનો છે એની કોઈ જાણ નથી, પરંતુ કોઈ ઝૂનો આ વીડિયો હોવાની પૂરેપૂરી શક્યતા દર્શાવાઈ રહી છે. કારણ કે, વીડિયોમાં પાછળ ધ્યાનથી જોતાં ફેન્સિંગ નજરે ચઢે છે. સિંહ જોકે, વૃદ્ધ અને અશક્ત હોવાની પ્રતિતિ થઈ રહી છે. ઘાસ પણ ચોમાસામાં તાજું ઊગી નીકળ્યું હોય એ જ પ્રકારનું છે.
વમન માટે સિંહ ઘાસ ખાઈ શકે
જૂનાગઢ વન્ય વિભાગના સીસીએફ વસાવડા કહે છે કે, માનવીને જે આ સિઝનમાં પિત્તનો પ્રકોપ થાય એમ વન્ય પ્રાણીઓને પણ પિત્તનો પ્રકોપ થતો હોય છે. આવા સમયે સિંહ જેવા પ્રાણીઓ પેટમાં પિત્ત જેવું લાગે તો ઉલ્ટી કરવા માટે ઘાસ ચાવતા હોય છે ખરા.