પોરબંદરઃ પોરબંદરમાં છેલ્લા પાંચેક વર્ષથી ભારતની સુરક્ષા એજન્સી નેવી દ્વારા માનવ રહિત ડ્રોન વિમાન કાર્યરત હતું. ડ્રોન યુ.એ.વી. પ્લેન તરીકે ઓળખવામાં આવે છે. આવું એક ડ્રોન વિમાન ૨૨ દિવસ પહેલાં પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં ક્રેશ થયું હતું અને ૧૪મીએ બરડા ડુંગર વિસ્તારમાં ક્રેશ થયું હતું. દરિયા ઉપર ૫૦ કિ.મી.ની રેન્જમાં ફોટો પાડીને સુરક્ષા એજન્સીના કંન્ટ્રોલરૂમમાં આ ડ્રોન પહોંચાડતું હતું. આ વિમાન ૧૪મીએ બપોરે એરપોર્ટ ઉપરથી ઉડાન ભરી ત્યાર બાદ ત્રીસેક મિનિટના સમયગાળા બાદ બરડા ડુંગરના જંગલ વિસ્તારમાં ધડાકાભેર તૂટી પડ્યું હતું અને ગણતરીની પળોમાં જ તે સળગી ઉઠ્યું હતું. ડ્રોન ક્રેશ થયું ત્યારે ત્યાં કોઈ હાજર ન હોવાથી ઇજા કે જાનહાનિનો બનાવ બન્યો નથી. આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. પોરબંદર પોરબંદર દરિયાઈ રેન્જ માટેનું આ બીજું અને છેલ્લું ડ્રોન ક્રેશ પણ ક્રેશ થયું છે. રૂ. ૫૦ કરોડનું એક એવા બંને ડ્રોન ક્રેશ થવાથી સરકારને એક અબજ રૂપિયાનું નુક્સાન થયું છે.