ગાંધીધામઃ ભારતના સર્જિકલ ઓપરેશન બાદ ગુજરાત-કચ્છની દરિયાઈ સીમા પર ઇન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે. તેવામાં કચ્છ સ્થિત નલિયાના એર સર્વેલન્સને કારણે અરબી સમુદ્રમાંથી એક બોટમાં સવાર નવ પાકિસ્તાની માછીમારને ઇન્ડિયન કોસ્ટગાર્ડે રવિવારે સવારે ઝડપી લીધા હતા.
રવિવારે સવારે સવા દસે ભારતીય તટરક્ષક દળના પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટરને સંદેશો મળ્યો હતો કે ભારતના દરિયાઈ વિસ્તારમાં એક શંકાસ્પદ બોટ જોવા મળી છે. એરફોર્સના કચ્છ સ્થિત નલિયા એરબેઝ દ્વારા રાઉન્ડ ધી કોલ્ક કરવામાં આવતાં એર સર્વેલન્સમાં આ પાકિસ્તાની બોટની ગતિવિધિ નજરે પડતાં તરત જ આ અંગે કોસ્ટગાર્ડનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. મેસેજ અને ઇમેજને પગલે પોરબંદર કોસ્ટગાર્ડે તરત જ તેના મુદ્ર પાવાક નામના જહાજને તે જગ્યાએ રવાના કર્યું હતું.
તટરક્ષક દળના સમુદ્ર પાવાક જહાજે શંકાસ્પદ પાકિસ્તાની બોટને કોર્ડન કરીને તેમાં રહેલા નવ પાકિસ્તાની માછીમારને પકડી લીધા હતા. માછીમાર અને બોટને પોરબંદર લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્થાનિક પોલીસ તથા કોસ્ટગાર્ડ સહિતના જુદી જુદી ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.