પોરબંદરઃ અત્યાર સુધી દેશમાં વાઘ અને સિંહ માટે અભ્યારણ્ય પ્રોજેક્ટ હાથ ધરાયા છે. પરંતુ હવે ગુજરાત સરકારે ગૌવંશની સુરક્ષા અને સંરક્ષણ માટે ગુજરાતનું પ્રથમ ગૌવંશ અભ્યારણ્ય ઊભું કરવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ગુજરાત ગૌસેવા આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથિરિયાના જણાવ્યા મુજબ બજેટમાં આ પ્રોજેક્ટને મંજુરી આપવામાં આવી છે. આ અભ્યારણ્ય માટે પોરબંદર તાલુકાના ધરમપુરની વીડીમાં અંદાજે ૭૦૦ એકરની ચરિયાણ જમીન ઉપર ગુજરાતનું સૌ પ્રથમ ગૌવંશ અભ્યારણ્ય ઊભું કરવા સ્થળ પસંદગી અને જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરાશે.
ડો. કથિરિયાના જણાવ્યા મુજબ આ અભયારણ્યની વિશિષ્ટતા એ હશે કે તેમાં ગુજરાતની અસ્સલ ઓલાદની ગાયોનું સંવર્ધન અને સંરક્ષણ થશે. આ ઉપરાંત દેશભરના ગૌ અને કૃષિ વૈજ્ઞાનિકો તથા નિષ્ણાતોની મદદથી અહીં ગૌ વંશ અંગે રિસર્ચ સેન્ટર અને સંવર્ધન કેન્દ્ર થશે.