પોરબંદર: પોરબંદરમાં સ્વિમિંગ સહિત સ્વાસ્થ્યને લગતી પ્રવૃત્તિઓમાં નામાંકિત શ્રીરામ સ્વિમિંગ કલબ, સુરક્ષા સેતુ સોસાયટી અને નેવી સહિયારા સહયોગથી પોરબંદરમાં હાફ મેરેથોનનું આયોજન કરાયું હતું. રવિવારે સવારે છ વાગ્યાથી પોરબંદરની ચોપાટી વિસ્તારની વિવિધ દોડમાં ભાગ લેનાર સ્પર્ધકો મોટી સંખ્યામાં ઉપિસ્થત રહ્યા હતા. રવિવારે વહેલી સવારમાં વૃદ્ધો, યુવાનો, મહિલાઓ, બાળકો અને દિવ્યાંગો આ મેરેથોનમાં દોડતા દેખાયા હતા.
મોબાઈલની ફ્લેશ લાઈટ્સથી આ મેરેથોનનો પ્રારંભ કરાયો હતો. તે પહેલા ડીજેના તાલે ઝુમ્બા ડાન્સ કરી સૌએ વોર્મઅપ કર્યું હતું. પોલીસ દ્વારા શોટગનથી આ મેરેથોન ખુલ્લી મુકાઇ હતી. પોરબંદરના પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સ્પર્ધકો તથા મહાનુભાવોનો તેમના શબ્દોથી સ્વાગત કર્યા બાદ નેવીના ફ્લેગ ઓફિસર સંજય રોય અને નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંઘે સ્પર્ધકોને શુભેચ્છાઓ આપી હતી.
પોરબંદર જિલ્લા પોલીસવડા ડો પાર્થરાજસિંહ ગોહિલ સહિત કેટલાક સુરક્ષાકર્મીઓએ દસ કિમી મેરેથોનમાં ભાગ લીધો હતો. વહીવટીતંત્રના અધિકારીઓ અને વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાના અગ્રણીઓએ મેરેથોનમાં જોડાયા હતા.
પોરબંદર હાફ મેરેથોનમાં કુલ ૨,૨૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
૨૧ કિમી અને ૧૦ કિમી દોડમાં અબાલ વૃદ્ધે ભાગ લીધો હતો. ૨ કિલોમીટર મેરેથોનમાં બાળકોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને તમામ વિજેતાઓને આમંત્રિત મહેમાનોના હસ્તે ઇનામ અપાયા હતા.
૮૯ વર્ષના વૃદ્ધની દોડ
પોરબંદરના ૮૯ વર્ષના વૃદ્ધ રમેશ ઝાલાએ ભાગ લઇ બાળકો અને યુવાનોને પણ પ્રેરણા આપી હતી અને સતત દોડતા રહેવાનો યુવાનોને સંદેશો આપ્યો હતો તો ૮૯ વર્ષની ઉમરના દેવચંદભાઈ રૂઘાણી તથા પોરબંદરના દિવ્યાંગ ક્રિકેટર ભીમા ખૂંટી તથા ૬૧ વર્ષીય દિવ્યાંગ હરદત્તભાઈ ગોસ્વામી પણ ઉત્સાહપૂર્વક આ મેરેથોનમાં જોડાયા હતા.
માઈક્રો ચીપ સૌપ્રથમ ઉપયોગ
પોરબંદર મેરેથોન-૨૦૧૮ સ્પર્ધાના અંતે સ્પર્ધાની તમામ શ્રોણીઓમાં વિજેતા થયેલા દોડવીરોને ઉપસ્થિત રહેલા મહાનુભાવો દ્વારા રોકડ ઇનામ તથા ટ્રોફી સાથે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. પોરબંદરમાં પ્રથમ વખત ટાઈમિંગ ચીપથી રનિંગ થયું હતું. જેમાં રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટીફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. પુણેની આલ્ફ સોલ્યુશન નામની કંપનીને આની જવાબદારી સોંપવામાં આવી હતી અને મેરેથોનમાં ભાગ લેનારે દોડ કેટલી માઈક્રો સેકન્ડમાં પૂરી કરી તે પણ જાણી શકાયું હતું