પોરબંદરઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નામે કરોડો રૂપિયાની યોજનાઓ બને છે. કરોડોને ખર્ચે તેમની પ્રતિમાઓ અને સ્મારકો બને છે અને હાલ તેમની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, પરંતુ આઘાતજનક બાબત એ છે કે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની ચોપાટી ખાતે આવેલા તેમના મેમોરિયલની યોગ્ય જાળવણી થતી નથી. વડા પ્રધાન દ્વારા જયારે તે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા તે સમયથી જ ગાંધીસ્મૃતિ ચિરંજીવ રહે તે માટે ઉમદા હેતુથી વિવિધ પ્રકલ્પ શરૂ કરાયા હતા, પરંતુ તેમના આ હેતુને સાર્થક કરવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ ગયાનું સાબિત થયું છે. ગાંધીભૂમિમાં પ્રવાસીઓેને આકર્ષવા માટે કરોડો રૂપિયાના ખર્ચે ચોપાટી અને વિલા સર્કિટ હાઉસ નજીક ગાંધીસ્મૃતિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેનું ખાતમુહૂર્ત ૨૦૦૭ની સાલમાં તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું. આ ઈમારતનું ચાર વર્ષ સુધી નિર્માણ ચાલ્યું હતું અને ત્યાર બાદ તેનું ઉદઘાટન પણ ર૦૧૧ની સાલમાં મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બિલ્ડીંગની યોગ્ય જાળવણી નહીં થતા ઈમારત ખંઢેર હાલતમાં જોવા મળે છે. ઈમારત લોકાર્પણ કર્યા બાદ આજ સુધી સ્ટાફ્ની નિમણૂક ન કરાતા લાયબ્રેરી અને મ્યુઝિયમ બંધ હાલતમાં છે. આ સ્મૃતિ ભવનમાં ગાંધીજીની કેટલીક દુર્લભ તસ્વીરો હતી.
રાજકોટની પણ અન્ય ગાંધીસ્મૃતિ પણ ધૂંધળી
મહાત્મા ગાંધીએ જ્યાં અભ્યાસ કર્યો તે આલ્ફ્રેડ હાઇસ્કૂલને રાજ્ય સરકારે રૂ. ૨૬ કરોડના ખર્ચે અત્યાધુનિક ગાંધી મ્યુઝિયમમાં પરિવર્તિત કરી અને તેનું તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ થયું છે, પરંતુ આ સિવાય ગાંધીજી રાજકોટની બીજી બે શાળામાં ભણ્યા હતા અને કબા ગાંધીના ડેલામાં રહેતા હતા તેની સ્થિતિ બિસ્માર છે.
રાષ્ટ્રીય શાળાની સ્થિતિ અત્યંત દયાજનક
દક્ષિણ આફ્રિકાથી આવીને શિક્ષણ પદ્ધતિમાં બદલાવ માટે અને બાળકોને માતૃભાષામાં શિક્ષણ મળે તે માટે વર્ષ ૧૯૨૧માં બાપુએ રાજકોટમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી હતી. એ સમયે ધોરણ ૧થી ૭માં ૩૭ વિદ્યાર્થીઓ હતા. આશ્ચર્યની વાત એ છે કે, આ શાળાનું રિનોવેશન કરવા માટે રાષ્ટ્રીય શાળાના વિદ્યાર્થીઓને લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં મૂકવામાં આવ્યા.એમની સંખ્યા પણ ૩૭ની છે! રાષ્ટ્રીય શાળાની ઇમારત જર્જરિત છે. રાષ્ટ્રીય શાળા ગ્રાન્ટેડ થાય તે માટે રાજ્ય સરકારે વચન આપ્યું છે, પણ આ શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ ક્યારે ભણી શકશે એ અંગે પ્રશ્નાર્થ છે.
ગાંધીજી ભણ્યા એ પ્રતાપકુંવરબા શાળા બંધ
૧૮૭૭ – ૧૮૭૮માં પહેલું અને બીજું ધોરણ ગાંધીજી પ્રતાપકુંવરબા શાળામાં ભણ્યા હતા. ફંડ અને વિદ્યાર્થીઓના અભાવે આ શાળા બંધ થઈ ગઈ અને શાળાની ઇમારત આજે પણ બિસ્માર ઊભી છે.
કિશોરસિંહજી શાળાની ભયજનક ઈમારત
૧૮૭૯ – ૧૮૮૦માં ધો. ૩ અને ૪નો અભ્યાસ ગાંધીજીએ અહીં કર્યો. કિશોરસિંહજી શાળા હજી ચાલે છે. ૧૬૦ વિદ્યાર્થીઓ શાળામાં ભણે છે, પણ સ્કૂલ ખખડી ગઈ છે.
કબા ગાંધીના ડેલાની માવજત જરૂરી
બાપુ જ્યાં રહેતા તે કબા ગાંધીનો ડેલો જર્જરિત હતો, પણ વર્ષ ૨૦૦૮માં તેનું સમારકામ થયું ડેલાનું સંચાલન ગાંધીસ્મૃતિ ટ્રસ્ટ કરે છે. ટ્રસ્ટના પ્રમુખ ઉષાકાંતભાઈ માંકડ કહે છે, સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ મળતી નથી, પણ ટ્રસ્ટની રજૂઆત બાદ મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ પાંચ વ્યક્તિના સ્ટાફનો પગાર થઈ શકે તેટલી રકમ દર મહિને મંજૂર કરાવી છે. જોકે ડેલાની મુલાકાત લેતાં થાય કે તેની સાચવણી માટે હજી કવાયત જરૂરી છે.