પોરબંદરઃ પોરબંદરના ઉદ્યોગપતિ તરીકે જાણીતા રિઝવાન આડતિયાનું આફ્રિકાના માટોલા શહેરમાં અપહરણ થતાં વતન પોરબંદરમાં ચિંતા પ્રસરી છે. અપહરણકારોએ મોટી રકમની ખંડણી માંગી હોવાની ચર્ચા થઈ રહી છે. તેઓ બપોરે શોપિંગ મોલથી પરત જતા હતા ત્યારે અપહરણકારો અપહરણ કરી ગયા હતાં. આડતિયા ફાઉન્ડેશનના માધ્યમથી તેઓ જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ પણ ધમધમતી રાખતા હતા. તેમના અપહરણથી અહીંના આગેવાનો ચિંતા લાગણી પ્રસરી હતી.
રિઝવાન આડતિયા નાની વયે આફ્રિકાના મોઝામ્બિક, યુગાન્ડા સહિતના દેશોમાં આવેલા શહેરોમાં શોપિંગ મોલનો વ્યવસાય ધરાવે છે અને હાલ તેઓ મોટાભાગનો સમય સેવાકીય પ્રવૃત્તિઓમાં વિતાવે છે. મોઝામ્બિકના માટોલા શહેરમાં જમ્બો એકઝીટ પાસે તેમની કારને રોકાવીને અપહરણકારોએ તેમનું અપહરણ કર્યું હતું. ત્યાર બાદ આ અપહરણકારોએ મોટી રકમની ખંડણી પણ માંગી હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
માટોલાના સ્થાનિક સમય મુજબ પહેલી મેએ બપોરે ૨થી ૩ વાગ્યા આસપાસ તેઓ પોતાના જમ્બો કેસ એન્ડ કેરી સ્ટોરમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે એવું માનવામાં આવે છે કે, હાલની કોરોનાની પરિસ્થિતિ અનુસંધાને તેઓ ડ્રાઈવર કે સિક્યુરિટી વગર કાર ચલાવીને પરત ફરી રહ્યાં હતાં ત્યારે તેઓ એકલા હોવાની બાતમીના આધારે અપહરણકારોએ તેમનો પીછો કરીને જમ્બો એકઝીટ પાસે તેમની કાર આડે આવીને હથિયાર બતાવીને તેઓનું અપહરણ કર્યું હશે. તેમની રેન્જરોવર વેનાર કાર રોડની બાજુમાં જોવા મળી હતી.
પોરબંદર અને રાણાવાવ પંથકના પણ અનેક યુવાનો તેમના મોલમાં કામ કરી રહ્યાં છે અને તેઓ દ્વારા પણ આ અંગેના આઘાતજનક સમાચાર સોશિયલ મીડિયાના માધ્યમથી આફ્રિકા અને પોરબંદર પંથકના લોકોને પહોંચાડવામાં આવ્યા હતાં.
રિઝવાન આડતિયાનું અપહરણ થતાંની સાથે જ તેમના મોબાઈલ ફોનના આધારે સ્થાનિક પોલીસે લોકેશન ટ્રેસ કરવાની કામગીરી શરૂ કરી હતી અને અનેક કલાકો સુધી પરિવારજનોનો અપહરણકારોએ સંપર્ક કર્યો નહોતો તેથી વધુ ચિંતા જોવા મળી હતી. ત્યારબાદ મોટી રકમની ખંડણી માંગી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. તેમના અપહરણના સમાચારથી ગુજરાત તેમજ ભારત સરકારે પણ નોંધ લીધી છે અને તાત્કાલીક તપાસ હાથ ધરીને તેઓનો છુટકારો થાય તેવા પ્રયત્નો કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ તેમના જીવન પર આધારિત ગુજરાતી ફિલ્મ પણ સિનેમાગૃહોમાં આવી હતી. જેના નિર્માતા રિઝવાન આડતિયા છે. આ ઉપરાંત રિઝવાન આડતિયાના સેવાકાર્ય અને જીવન પરથી ગુજરાતી લેખક ડો. શરદ ઠાકરે પુસ્તક પણ લખ્યું છે.