ગત સપ્તાહે ભારતીય નૌસેનાના ગુજરાત-મહારાષ્ટ્રના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ રિયર એડમિરલ અશોકકુમારે ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ સાથે મહત્ત્વપૂર્ણ મંત્રણા કરી હતી અને નૌસેના દ્વારા તેના પોરબંદર બેઇઝને વધુ આધુનિક માળખાકીય સુવિધા સાથે સજ્જ કરવા તથા તેનું નામાભિધાન લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના નામથી કરવાના નિર્ણયની જાણકારી આપી હતી. પોરબંદરના કાંઠાની સાથોસાથ નેવી ત્યાં એરપોર્ટનો પણ વિકાસ કરશે. જ્યાંથી આધુનિક અનમેન્ડ એરિયલ વ્હીકલ (યુએવી)થી સર્વેલન્સ કરાશે. એટલું જ નહીં આ બેઇઝ ઊભો થતાં નૌસેના કચ્છ, સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના મહત્ત્વના તથા વ્યૂહાત્મક સ્થળો પર પણ સીધી નજર રાખી શકશે.
• રાજકોટ-જેતપુરને એક વર્ષ ચાલે તેટલું પાણીઃ રાજકોટઃ રાજકોટવાસીઓ પર જાણે વિધ્નહર્તા ગણેશે પાણીકાપની સમસ્યાનું વિઘ્ન દૂર કરી નાખ્યું હોઈ તેમ સ્થાનિક જળાશયોમાં ઉપરવાસના ભારે વરસાદને પગલે નવા નીરની આવક થઈ છે. રાજકોટ ઉપરાંત જેતપુર શહેરની જીવાદોરી સમા ભાદર-૧ ડેમમાં તો એક જ રાતમાં અઢી ફૂટ જેટલુ પાણી આવી જતાં બન્ને શહેર માટે એક વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો જથ્થો ઉપલબ્ધ થઈ ચૂક્યો છે. છેલ્લા ઘણા સમયથી શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી. ભાદર-૧ની સાથોસાથ રાજકોટ શહેરની ભાગોળે આવેલા આજી-૧ ડેમમાં પણ મેઘકૃપા વરસી છે.
• દેવકા નદીમાં ગણપતિ વિસર્જન વખતે પાંચ લોકો ડૂબ્યાઃ વેરાવળની દેવકા નદીમાં ગત સપ્તાહે ગણપતિ વિસર્જન વખતે એક પરિવારનાં ત્રણ સહિત પાંચ વ્યક્તિઓનાં ડૂબી જતાં મોત થયા હતા. મૃતક પાંચેય રબારી સમાજનાં હતાં. કરૂણતા તો એ હતી કે મૃતકો પૈકી બે પિતા-પુત્ર હતાં. આ ઘટનાથી સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મોડી સાંજે પાંચેયની એકસાથે અંતિમ યાત્રા નીકળી ત્યારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
• ૬૫ વર્ષના વૃદ્ધે ૨૪ લાડુ ખાધા!ઃ રાજકોટઃ શહેરના કિસાનપરા ચોકમાં આયોજિત એક ગણેશોત્સવમાં ‘ઓપન સૌરાષ્ટ્ર લાડુ સ્પર્ધા’ યોજાઇ હતી. જેમાં સરપદડ ગામના એક ૬૫ વર્ષીય ગોવિંદભાઈ લુણાગરિયા અડધા કલાકમાં જ સાડા ચોવીસ લાડુ ખાઈને પ્રથમ વિજેતા બન્યા હતા. જ્યારે બહેનોની સ્પર્ધામાં રાજકોટવાસી મૂળ ઉત્તર પ્રદેશના અનુબેન યાદવ ૧૦ લાડુ ખાઈ ગયા હતા. આ લાડુ સ્પર્ધામાં ૧૦૩ ભાઈઓ અને સાત બહેનો સહિત ૧૧૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ૧૦૦ ગ્રામનો એક એવા ૭૧૦ લાડુ બનાવાયા હતા. સ્પર્ધામાં બીજા ક્રમે જીવાપર ગામના અશોકભાઈ રંગાણી સાડા સત્તર અને ત્રીજા ક્રમે રાજકોટના નરેન્દ્રભાઈ ત્રિવેદી ૧૬ લાડુ ખાઈ ગયા હતા. બહેનોની સ્પર્ધામાં બીજા ક્રમે રીટાબેન રાઠોડ સાત લાડુ અને સવિતાબેન ભૂત ૬ લાડુ ખાઈ ગયા હતા.
• શાસ્ત્રી વૃજલાલભાઇનું નિધનઃ કર્મકાંડ વિશારદ, વેદાચાર્ય શાસ્ત્રી વૃજલાલભાઇ નાનજીભાઇ ત્રિવેદી (૯૩)નું તાજેતરમાં રાજકોટમાં અવસાન થયું છે. સદ્ગતની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સામાજિક, રાજકીય, ધાર્મિક ક્ષેત્રના આગેવાનોએ અંજલી અર્પી હતી. શાસ્ત્રીજીએ મુંબઇમાં અંબાણી પરિવાર, ‘ભાઇશ્રી’ રમેશભાઇ ઓઝાના નિવાસસ્થાને પૂજન વિધિ કરેલ હતી.