પોરબંદરના દરિયામાંથી રૂ. 3500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Wednesday 20th November 2024 05:23 EST
 
 

પોરબંદર: અરબી સમુદ્રમાંથી 3500 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયેલ 8 ઈરાનીઓને સુરક્ષા એજન્સીઓએ રિમાન્ડ પર લીધા છે. રિમાન્ડ દરમ્યાન ચોંકાવનારી હકીકતો સામે આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. એનસીબી, ગુજરાત એટીએસ અને નૌકાદળ દ્વારા ભારતીય જળસીમા નજીકથી સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગયા શુક્રવારે 3500 કરોડ રૂપિયાની કિંમતનું 700 કિલો ડ્રગ્સ ઝડપી લીધું હતું.
‘ઓપરેશન સાગરમંથન-4’ અંતર્ગત રજિસ્ટ્રેશન વગરની બોટમાંથી આઠ ઇરાની શખ્સોને ઝડપાયા છે. આ તમામ શખ્સોને પોરબંદર એસઓજી ઓફિસ ખાતે લાવી વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા પુછપરછ હાથ ધરવામાં આવી છે.
નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોને માહિતી મળી હતી કે એક અનરજિસ્ટર્ડ જહાજ ભારતીય જળસીમામાં નાર્કોટિક ડ્રગ્સ અથવા સાયકોટ્રોપિક પદાર્થો સાથે પ્રવેશ કરશે. આથી એનસીબીએ ગુજરાત એટીએસ અને નેવીની મદદ લઇ સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. ગુરુવારે રાત્રે હાથ ધરાયેલ આ ઓપરેશનને સાગર મંથન-4 કોડ નેમ આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત મધદરિયે શંકાસ્પદ હાલતમાં રહેલી એક બોટને આંતરી હતી. બોટની તપાસ કરતા તેમાંથી સાયકોટ્રોપિક ડ્રગ મેથામ્ફેટામાઈનનો 700 કિલો જેટલો જંગી જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓની આંખો પણ પહોળી થઈ હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતનો દરિયાકાંઠો માદક પદાર્થોની હેરાફેરી માટે સુરક્ષિત ગણાતો હોય તેમ અવાર-નવાર આ દરિયાકાંઠાનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરવામાં આવે છે. દેશમાં જે ડ્રગ્સ ઘૂસાડવામાં આવે છે તે ડ્રગ્સ દ્વારા મળતા રૂપિયાનો ઉપયોગ દેશ વિરોધી ષડયંત્રમાં જ કરવામાં આવે છે અને હવાલા મારફતે આ રકમ પાકિસ્તાન સુધી પહોંચતી હોવાનું અગાઉ ખૂલ્યું છે ત્યારે વધુ એક વખત કરોડોનું ડ્રગ્સ પકડાતા ચકચાર મચી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter