પોરબંદરઃ ગાંધીજીની જ જન્મભૂમિ પોરબંદરના રહેવાસી જયેશ હિંગરાજિયા વિશ્વમાં ‘ગોલ્ડન ગાંધીજી’ તરીકે ઓળખાય છે. એની પાછળનું રહસ્ય એ છે કે જયેશ દેશ-વિદેશમાં થતા કાર્યક્રમોમાં ગાંધીજીનું ગોલ્ડન સ્ટેચ્યૂ બનીને કલાકો સુધી સ્થાપિત રહે છે. તે નિર્જીવ સ્ટેચ્યૂની માફક જ જરાય હલનચલન કરતો નથી. જયેશની આ અદ્ભુત કલાથી વર્લ્ડરેકર્ડ સર્જાયો છે. ખુદ ગિનિસ બુક ઓથોરિટીએ પોરબંદર આવીને તેનું સન્માન કર્યું છે.
૧૬ વર્ષ અગાઉ એક ફ્રેન્ચ ફિલ્મમાં તેણે માણસને સ્ટેચ્યૂ બનતા જોયો હતો. તે જોઈ તેને ગાંધીજીનું સ્ટેચ્યૂ બનવાનો વિચાર આવ્યો હતો. એ સમયે તાત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં તે ગાંધી પ્રતિમા બન્યો હતો. તે સમયે તેની ખૂબ સરાહના થઈ હતી ત્યારથી તેની આ નવી યાત્રાનો પ્રારંભ થયો. ગોલ્ડન ગાંધી બનવા માટે તે મેટાલિક પેઇન્ટ શરીર પર લગાવે છે. અંદાજે દોઢ કલાક જેવો સમય તેને ગોલ્ડન ગાંધી પ્રતિમા બનવામાં લાગે છે. જયેશ અત્યાર સુધીમાં કુલ ૧૮૬ જેટલા વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂકયો છે.
નેપાળમાં ગોલ્ડ મેડલ
પોરબંદરમાં ગોલ્ડન ગાંધી બની પ્રસિદ્ધ બનેલા અને કડિયાકામ કરી ગુજરાન ચલાવતા યુવાન જયેશ હિંગરાજિયાએ ગત વરસે નેપાળનાં કાઠમંડુમાં દશરથ રંગશાળા સ્ટેડિયમની સામે ગોમર ફૂટબોલ ગ્રાઉન્ડમાં યોજાયેલા સાઉથ એશિયા ચેમ્પિયનશિપમાં ભાગ લઈ ૨૦૦ મીટરની દોડમાં મેદાન માર્યું હતું. આ રમતમાં તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
એક જ ગીતમાં ૭૦૦ વખત પર્ફોર્મન્સ
‘ક્રાંતિ’ ફ્લ્મિના ‘અબ કે બરસ તુજે ધરતી કી રાની’ ગીતમાં ૭૦૦ વખત અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાર્યક્રમોમાં સ્ટેજ પર્ફોર્મન્સ રજૂ કરતાં જયેશની ભારત બુક ઓફ્ રેકોર્ડ અને ઈન્ડિયા સ્ટાર રેકર્ડ દ્વારા નોંધ લેવામાં આવી છે.
ગાંધી મિનિ આલ્બમના રેકર્ડ સર્જ્યા
જયેશે ગાંધીજીના બાળપણથી લઈને મૃત્યુ સુધીના એક બાય દોઢ મિલીમીટરથી લઈને બે બાય ત્રણ ઈંચ સુધીનાં અનોખા ૧૮૬ ફોટો-આલ્બમ બનાવ્યાં છે.
૧૫૦મી જન્મજયંતી- ૧૫૦ વખત ગાંધી
ગાંધીજયંતી પહેલાં જયેશે જણાવ્યું હતું કે ગાંધીબાપુની ૧૫૦મી જન્મજયંતી એ અનોખી રીતે ઉજવવા માગે છે. તે એક વર્ષના ગાળામાં ૧૫૦ વખત ગાંધીબાપુ બની પોરબંદર જિલ્લાની વિવિધ શાળાઓમાં જઈને બાળકોને સ્વચ્છતાનો સંદેશ આપવા માગે છે.