પોરબંદરઃ પોલીસને દારૂ અંગે બાતમી આપતા હોવાની શંકાના આધારે પોરબંદરના ખારવાવાડ વિસ્તારના વાંદરી ચોકમાં રામજીભાઈ ઉર્ફે પાગો દેવશીભાઈ પાંજરી પર લોખંડના પાઇપથી હુમલો કરીને હત્યા કરવા અંગે પકડાયેલા છ જણા સામેનો કેસ તાજેતરમાં ચાલી જતાં અદાલતે છ જણાને આજીવન કેદની સજા અને રૂ. ૨૦-૨૦ હજારના દંડની સજા ફટકારી છે.
પાંચ વર્ષ પહેલા બનેલી આ ઘટનામાં અદાલતે મુકેશ ઉર્ફે કારો લાલજીભાઈ મસાણી, વિંઝાભાઈ ગોહેલ, કાગડો ગોવિંદભાઈ ચૌહાણ, સતિષ પરસોત્તમભાઈ રાઠોડ, મુકેશ કાલી ખીમજીભાઈ વાંદરિયા અને નીતિન ધોબી શિવલાલ કનોજીયાને અદાલતે આજીવન કેદ અને રૂ. ૨૦-૨૦ હજારના દંડની સજા કરી હતી.
આ કેસમાં ૪૪ જેટલા સાહેદની જુબાની લેવાઈ હતી અને દસ્તાવેજી પુરાવા રજૂ થયાં હતાં. આ હત્યાના મુખ્ય આરોપી ભરત ઉર્ફે બાઘો કેશવભાઈ લોઢારી જે તે સમયે ફરાર થઈ ગયો હતો. બાદમાં તે પોલીસના હાથમાં આવ્યો હતો. આથી હત્યાના બનાવમાં તેનો પુરવણી કેસ ચાલશે.