વતનમાં લેસ્ટરવાસીનું આકસ્મિક મૃત્યુઃ પોરબંદરના માધવપુર નજીક ઓશો આશ્રમમાં રહેતા મુકેશભાઈ ગોપાલદાસ દાવડા (ઉ.વ. ૫૯) મૂળ રહેવાસી ૮, નેવલગ્રેવ-લેસ્ટર, યુકે)નું પડતર પાણીની ખાણમાં પડી જતાં મૃત્યુ થયું હતું. આ બનાવ રાત્રે અંધારામાં કડકડતી ઠંડીથી તાપણું કરવા માટેના બળતણ લેવા જતા અચાનક પડતર ખાણના ખાડામાં પડી જતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી જેથી મુકેશભાઇનું મોત થયું હોવાનું અખબારી અહેવાલમાં જણાવ્યું છે.
ગિરનાર પર્વત પર રોપ-વેની પ્રક્રિયા શરૂઃ સોરઠની આર્થિક જીવાદોરી સમાન ગિરનાર રોપ-વે યોજના આડેના અવરોધો દૂર કરવા વડા પ્રધાન દ્વારા ખાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. જુનાગઢના સાસંદ રાજેશ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, રોપ-વે મુદ્દે સંસદના સત્ર પહેલા ઉષા બેક્રો કંપનીના અધિકારીઓ સાથે બેઠક યોજીને આ પ્રોજેક્ટ અત્યારે ક્યાં અટક્યો છે તેની જાણકારી મેળવી હતી અને સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયલ એમ્પાવર્ડ કમિટી સમક્ષ આ યોજના મંજુરી માટે વર્ષોથી પડી છે. આ અંગે વર્ષ ૨૦૦૭માં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાનું ખાતમુહૂર્ત કરેલ તે ફોટોગ્રાફ સાથે લેખિતમાં રજૂઆત કરી હતી. તેના પગલે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રોપ-વે આડેના અવરોધો દૂર કરવા માટે વડા પ્રધાન કાર્યાલયના જોઇન્ટ સેક્રેટરી એ.કે. શર્માની વરણી કરેલ છે અને આગામી બે માસમાં જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે.
રાજકોટમાં નર્સીંગ હોસ્ટેલ માટે NRIનું માતબર દાનઃ રાજકોટની બી. ટી. સવાણી કિડની હોસ્પિટલમાં શરૂ થયેલ નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે રહેવાની આધુનિક સવલત આપતી હોસ્ટેલના નિર્માણ માટે અમેરિકાસ્થિત અરૂણભાઇ, શરદભાઇ તથા રંજનબેન પટેલે હોસ્પિટલ તેમ જ નર્સિંગ સ્કૂલની તાજેતરમાં મુલાકાત લીધી હતી. હોસ્પિટલની સેવાકીય તથા શૈક્ષણિક પ્રવૃતિઓને નિહાળી તેઓ પ્રભાવિત થયા હતા. સંસ્થાના વિકાસના કાર્યોમાં સહભાગી થવા હોસ્પિટલ સંચાલિત નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓના લાભાર્થે હોસ્ટેલના અદ્યતન બિલ્ડિંગ માટે રૂ. એક કરોડનું માતબર દાન આપવાની જાહેરાત કરી હતી.
અનિલ અંબાણીને સુરેન્દ્રનગરની કોર્ટમાં હાજર રહેવા સમન્સઃ સાયલાના સતુભા વાઘેલાએ રાજકોટની રિલાયન્સ મની એકસપ્રેસમાંથી સોનાના સિક્કાની ખરીદી કરી હતી, જેમાં બજારભાવ કરતા વધુ ભાવે સિક્કા અપાયાની ગ્રાહક સુરક્ષામાં અરજી કરી હતી. જે કેસમાં સોનાના સિક્કા બાબતે વળતર ચૂકવવા રિલાયન્સ કંપનીને રૂ. દસ હજારનું વળતર અને અરજી ખર્ચ ચૂકવવા વર્ષ ૨૦૧૧માં થયો હતો. સુરેન્દ્રનગર ગ્રાહક સુરક્ષા ફોરમે હૂકમનો અનાદર કરવાના કેસમાં કંપનીના ચેરમેન અનિલ ધીરૂભાઇ અંબાણી વિરૂધ્ધ તાજેતરમાં જામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું છે.