પોરબંદરઃ ભારતમાં માત્ર ત્રણ જ વખત અને ગુજરાતમાં પ્રથમ વખત પોરબંદર પક્ષી અભયારણ્યમાં દેખાયું હોય તેવું સાયબેરિયન કસ્તુરો જોનારા વનવિભાગના કર્મચારીઓ અને પક્ષીપ્રેમીઓ રોમાંચિત બની ઉઠયા છે. તાજેતરના જ એક સર્વે મુજબ ગુજરાતમાં કુલ ૫૭૪ વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે જેમાંથી અંદાજે ૨૮૫ જેટલા પક્ષીઓ પોરબંદરમાં જોવા મળે છે. પોરબંદરના પક્ષી પ્રેમીઓએ પોરબંદરમાં જ નહીં પણ ગુજરાતમાં પ્રથમ વાર સાઇબેરિયન થ્રસની નોંધ કરી છે. પોતાના દૈનિક પક્ષી દર્શન દરમિયાન કારાભાઇએ એક વિશેષ પક્ષી જોયું અને તુરંત જ પક્ષને નિરીક્ષણ કર્યું અને ૧૫ મિનિટ સુધી ફોલો કર્યું. આ દરમિયાન સાઇબેરિયન કસ્તુરો જમીન પરના સૂકા પાંદડાઓમાંથી વિવિધ જીવજંતુઓની શોધ કરીને જિયાફત માણતું રહ્યું અને એકાદ વાર પોતાના મધુર અવાજે બોલ્યું. પક્ષીપ્રેમીઓએ આ પક્ષી પ્રથમ વાર જોયું અને તરત જ વિવિધ માર્ગદર્શન પોથીઓનો અભ્યાસ કરી આ સાઇબેરિયન થ્રસ હોઇ શકે તેવો અંદાજ લગાવ્યો અને ત્યારબાદ વિવિધ તજજ્ઞોને ફોટો ઇમેઇલ કરીને નક્કી કરાયું કે આ સાઇબેરિયન થ્રસ જ છે.
આ અગાઉ આ પક્ષીના ભારતમાંથી માત્ર બે જ વાર તસવીર નોંધ લેવામાં આવેલી છે. વર્ષ ૨૦૧૩માં પશ્ચિમ બંગાળના સુંદરવનમાંથી ઘણા વર્ષો અગાઉ આ પક્ષી દેખાયું. મણિપુર, મહારાષ્ટ્ર અને પોર્ટબ્લેરમાં પણ જોવા મળ્યું હતું અને યોગ્ય નમૂના પણ એકત્ર કરાયા હતા.