પોરબંદરઃ શહેરના ક્રિએટિવ ગ્રુપ તથા મહેર આર્ટ પરિવાર દ્વારા બે દિવસીય સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં મહેર સંસ્કૃતિનું પ્રદર્શન અને ચિત્રકારોનું ચિત્રો પ્રદર્શન થયાં હતાં.
આ સાંસ્કૃતિક આયોજનને સમાજ શ્રેષ્ઠીઓ ભરતભાઈ ઓડેદરા, ડો. સુરેશભાઈ ગાંધી, ભરતભાઈ ગઢવી, બાબુભાઈ બોખીરિયા, એભાભાઈ કડછા, ભીમભાઈ સુંડાવદરા, ડો. ઇશ્વરભાઈ ભરડા, લાખાભાઈ ઓડેદરા, દેવશીભાઈ ઓડેદરા, રાણાભાઈ સીડાએ દીપ પ્રગટાવીને ખુલ્લું મૂક્યું હતું. સાંસ્કૃતિક વારસાના આ પ્રદર્શનમાં મહેર સંસ્કૃતિ દર્શાવતી અદભુત કલા મૂકવામાં આવી હતી.
નથુ ગરચરના રેતીચિત્ર, પાળિયાપૂજાના રેતીશિલ્પ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં વપરાતા વિવિધ પ્રકારનાં વાસણો, કોઠીઓ, પટારાઓ, ઘરઘંટી, ગાડું, કૂવાપટની પનિહારી, ઘમ્મર વલોણું, પ્રાચીન વાજંત્રો, ખેતીના ઓઝારો, ઢોલિયાઓ, ખાટલાઓ, માચીઓ, ચૂલા-તાવડી સહિતનું રાંધણીયું, વસ્ત્રો, ગોદડીઓ, ગ્રામ્ય વિસ્તારની સંસ્કૃતિ અને કલાકારોનાં અદભુત ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવેલ હતા.
ગ્રામ્ય સંસ્કૃતિની પ્રાચીન વસ્તુઓ તેમજ અદભુત ચિત્રકલાને સૌ કોઈએ બિરદાવી હતી, આ ગ્રામ્ય વિસ્તારની સંસ્કૃતિ નગરજનોએ પણ મોટી સંખ્યામાં નિહાળી હતી.
આ તકે રંગારંગ સાંસ્કૃતિક કાર્યકર્મ યોજાયો હતો જેમાં મહેર જ્ઞાતિના કલાકારોએ જૂના લગ્નગીતો, ફટાણા, લોકગીતો, પરંપરાગત મણીયારો રાસ, ઢાલ-તલવાર રાસ, અભિનય, સાંસ્કૃતિક વક્તવ્ય વગેરે અદભુત કૃતિઓ પ્રસ્તુ કરી મહેર જ્ઞાતિની પરંપરાની ઝાંખી કરાવી હતી. કલાકારો મહેર જ્ઞાતિના પરંપરાગત પહેરવેશમાં કૃતિઓ રજૂ કરવામાં આવતા સૌ કલાપ્રેમીઓ અભિભૂત થયા હતા. સમગ્ર કાર્યક્રમનું આગવી શૈલીમાં સંચાલન જાણીતા ઉદ્ઘોષક શિક્ષક પોપટભાઈ ખૂંટીએ સંભાળ્યું હતું, જ્યારે આભારદર્શન ગીતાબેન વિસાણા અને કાનાભાઈ ઓડેદરાએ
કર્યું હતું.