અમદાવાદ,મહેસાણાઃ મહેસાણા જિલ્લાના લાંઘણજ ગામના પોલીસ સ્ટેશનની અંદર જ એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે તાજેતરમાં ડાન્સ કરીને વીડિયો વાયરલ કરતાં ટીકા થઈ રહી છે. મહિલા પોલીસકર્મીએ વીડિયો બનાવીને ટીકટોક એપ પર મૂક્યો હતો. આ વીડિયો વાયરલ થતાં જ જિલ્લા પોલીસવડાએ શિસ્તભંગના પગલાં ભરીને મહિલા પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યાં છે. આ બનાવે પોલીસ તંત્ર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચકચાર જગાવી છે. હાલમાં મહિલા પોલીસકર્મી રજા પર હોવાનું બહાર આવ્યું છે. મહેસાણા જિલ્લાના પોલીસ મથકમાં હિન્દી ફિલ્મના ગીત પર મહિલા પોલીસ કર્મી ડાન્સ કરતી દેખાઈ હતી. આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે. પોલીસ તપાસમાં પોલીસમથકમાં જ પોતાના ડાન્સનો ટિકટોક પર વીડિયો બનાવાર યુવતી લાંઘણજ પોલીસ મથકની હોવાનું અને તેનું નામ અર્પિતા ચૌધરી હોવાનું ડીવાયએસપી મંજીતાબહેન વણઝારાએ જણાવ્યું હતું. ૧૪ સેકંડના ટૂંકા વીડિયોમાં મહિલા પોલીસકર્મી લોકઅપની સામે ડાન્સ કરતી જણાય છે.
બીજી તરફ શિસ્ત માટે જાણીતા પોલીસખાતાની મહિલા પોલીસકર્મીનો પોલીસ મથકમાં જ ડાન્સ કરતો વીડિયો વાઇરલ થતાં જિલ્લા પોલીસવડા નિલેશ જાજાડિયાએ પણ શિસ્તભંગના પગલાંના ભાગરૂપે હાલ પૂરતી આ મહિલા પોલીસકર્મીને ફરજમોકૂફ કરી હોવાના સમાચાર છે.
રાજકોટમાં પણ બે સસ્પેન્ડ
રાજકોટ શહેર પોલીસના બે પોલીસકર્મીમાંથી એકનો પીસીઆર વેનના બોનેટ પર બેઠેલો ટીકટોક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં પોલીસકર્મી નિલેશ કુંગશિયા અને ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા માણસને પણ સસ્પેન્ડ કરી દેવાયા હતા.
વીડિયો વાયરલ થયા પછી પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીએ જમાવ્યું કે પોલીસ ખાતું શિસ્તનું આગ્રહી છે. આ તંત્રની છાપ ખરાબ ન થાય અને શિસ્ત જળવાઈ રહે તે માટે યુનિફોર્મ સાથેના ટીક ટોક વીડિયો અંગે પગલાં લેવાવા જોઈએ.