રાજકોટઃ રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના કવરેજ માટે કલેક્ટર રમ્યા મોહને અલગ અલગ સંસ્થા અને ઉદ્યોગપતિઓ પાસેથી એકઠા કરેલા ફંડમાંથી રાજકોટના ૮ પત્રકારોને રૂ. ૫૦-૫૦ હજારના ચેક આપ્યાનું બહાર આવ્યું છે.
કુલ ૮ અખબારોમાંથી ‘દિવ્ય ભાસ્કર’ના પત્રકાર જિજ્ઞેશ વૈદને પણ રૂ. ૫૦૦૦૦નો ચેક અપાયો હતો, પરંતુ અખબારની પોલીસીમાં ન્યૂઝ પબ્લિશ કરવા પૈસા ન લેવાતા હોવાથી ‘દિવ્ય ભાસ્કર’ના પત્રકારે માત્ર પુરાવા માટે ચેક લીધો પછી અધિક કલેક્ટર પરિમલ પંડ્યા પાસે રૂબરૂ જઈને રૂ. ૫૦૦૦૦નો ચેક પરત કરી દીધો હતો. એ પછી ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા વાતના મૂળ સુધી પહોંચવા કલેક્ટરને ફોન કરાયો હતો, પરંતુ તેમનો સંપર્ક થયો નહોતો તેવું અખબારના અહેવાલમાં જણાવાયું હતું. જોકે પછીથી કલેક્ટરે આપેલા નિવેદનમાં જણાવ્યું કે, આમાં બધું નિયમાનુસાર થયું છે અને કોઇ બદઇરાદો નથી. નાયબ મામલતદાર હિરેન જોશીએ જણાવ્યું કે, મોટાભાગના પત્રકારો વાર-તહેવારે અને ચૂંટણી સમયે રોકડ રકમ લઈ લે છે, પરંતુ ચેકથી તેમને તકલીફ હોય તો વ્યક્તિગત નામનો ચેક પરત આપી જજો અને ‘દિવ્ય ભાસ્કર’ના નામનો અલગથી ચેક બનાવી આપીશું. પેઈડ ન્યૂઝ નથી તેવી રીતે સમાચાર બતાવાના હતા એટલે કદાચ સાહેબે આવું કર્યું હોઈ શકે!
‘દિવ્ય ભાસ્કર’ના અહેવાલો પ્રમાણે પરિમલ પંડ્યાને જ્યારે આ અંગે સવાલ કરાયો કે, અમે કોઈ જાહેરાત છાપી નથી તો આ ચેક શા માટે? ત્યારે તેમણે કહ્યું કે, જાહેરાત ના છાપી હોય તો પણ આ અમારી લાગણી છે તેમ સમજી ચેક સ્વીકારી લેજો અને આ વાતને અહીં જ પૂરી કરજો. નાયબ મામલતદારને ચેક પરત આપ્યા બાદ ફરીથી ‘દિવ્ય ભાસ્કર’ના રિપોર્ટરને બોલાવીને આ બાબતને કોઇ મુદ્દો નહીં બનાવવા વિનંતી કરી હતી. તેવા અહેવાલો પણ છે.
બેફામ વપરાયું ફંડ?
અહેવાલો છે કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પહેલાં કલેક્ટર - તંત્રે રાજકોટ જિલ્લા દૂધની ડેરી પાસેથી રૂ. ૫ લાખ, ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસેથી રૂ. ૩ લાખ, રાજકોટ લોધિકા સંઘ પાસેથી રૂ. ૫ લાખ, જસદણ માર્કેટિંગ યાર્ડ પાસેથી રૂ. ૧ લાખ અને અતુલ ઓટો પાસેથી રૂ. ૧ લાખનું ફંડ લીધું હતું. ચર્ચા છે કે આ તમામ સંસ્થા અને ઉદ્યોગપતિઓને કહેવાયું હતું કે, રાજકોટમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં આ ફંડ વપરાશે. આ ફંડમાંથી સાંસ્કૃતિક કાર્યક્રમ માટે જે ડ્રેસ સિવડાવાયા તેના બિલના એડવાન્સ પેટે અધધધ રૂ. ૯.૪૪ લાખ, અશ્વ શોના ૧૨ વિજેતાઓને રૂ. ૧.૦૨ લાખની ચુકવણી ઉપરાંત ૮ અખબારોના પત્રકારોને રૂ. ૫૦-૫૦ હજારના ચેક આપાયા હતા.
ફંડ ક્યાં વપરાયું તેની દાતાને જાણ નહીં?
અહેવાલો છે કે, રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદ રાણપરિયાએ આ અંગે કહ્યું છે કે, પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે ડેરીએ રૂ. ૫ લાખનો ચેક સ્થાનિક તંત્રને આપ્યો હતો. આ રકમ ક્યાં વપરાઈ તે ખ્યાલ નથી. રાજકોટ લોધિકા સંઘના ચેરમેન નીતિન ઢાંકેચાએ જણાવ્યું છે કે, પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે મહિલા સંમેલન, યુવા સંમેલન અને ખેડૂત સંમેલન માટે કલેક્ટર તંત્રએ ફંડ માગ્યું હતું, તેથી સંઘમાંથી રૂ. ૫ લાખનો ચેક અપાયો. હવે આ રકમ તેઓએ ક્યાં વાપરી તેનો હિસાબ અમે માગ્યો નથી. જસદણ યાર્ડના ચેરમેન અરવિંદ તાગડિયાએ કહ્યું કે, અમારી પાસેથી પ્રજાસત્તાક પર્વના નામે ફંડ લેવાયું હતું. અમે રૂ. ૧ લાખ આપ્યા. જોકે એ રકમ શેના માટે અને ક્યાં વપરાઈ? તેની ખબર નથી. અતુલ ઓટોના નિરજ ચંદ્રાએ જણાવ્યું કે, મને જાણમાં નથી કે પ્રજાસત્તાક પર્વ માટે અમે ફંડ આપ્યું છે કે નહીં? હું કંપનીના એચઆરનો સંપર્ક સાધીને ફંડ વિશે કહી શકું.