જૂનાગઢ: જૂનાગઢના ગરવા ગિરનારના ૩૬ કિમી કરતાં વધુ વિસ્તારમાં દસકાઓથી દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે. કારતક સુદ અગિયારસની રાત્રીના ૧૨ વાગ્યાથી શરૂ થતી આ પરિક્રમા કારતક સુદ પૂનમે સંપન્ન થાય છે. લીલી પરિક્રમામાં પ્રતિ વર્ષ લાખ્ખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે અને જંગલમાં આવેલા પૌરાણિક સ્થાનોમાં દર્શન કરી ધન્યતા અનુભવવા સાથે પુણ્યનું ભાથું પણ બાંધે છે. જોકે, વર્ષોથી યોજાતી આ પરિક્રમા આ વર્ષે કોરોના મહામારીનું ગ્રહણ લાગ્યું હોવાથી સત્તાવાળાઓએ યાત્રા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
સરકારના જાહેરનામા મુજબ મેળા પર પ્રતિબંધ હોય પરિક્રમા નહીં યોજવાનો સ્થાનિક સત્તાધિશોએ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઉતારા મંડળોએ થોડાક સમય અગાઉ જ બેઠક યોજીને પોતે અન્નક્ષેત્રોની સેવા નહીં પૂરી પાડે તેવી જાહેરાત કરી હતી.
દિવાળીના તહેવારોમાં લોકોની ભીડ થતા કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. કોરોનાના કેસમાં વધારો થતા સંક્રમણ સતત વધી રહ્યું હોવાનું જણાઇ રહ્યું છે. ત્યારે લાખ્ખોની સંખ્યામાં લોકો એકઠા થાય તો આ મહામારી વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવનાને ધ્યાને લઇ લીલી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
અલબત્ત, દસકાઓથી યોજાતી આ લીલી પરિક્રમાની પરંપરા જળવાઇ રહે તે પણ એટલું જ જરૂરી છે. ત્યારે આ પરંપરા જળવાઇ રહે તે માટે સાધુ-સંતો સહિતના ૧૦થી ૧૫ લોકો પરિક્રમા કરે તેવું આયોજન તંત્ર ગોઠવી રહ્યું છે. આ માટે સાધુ-સંતોના વિવિધ અખાડાઓ સાથે ચર્ચા બાદ વહીવટી તંત્ર નિર્ણય કરશે.