જૂનાગઢ: ગિરનારના કમંડળ કૂંડમાં ચાલતી રામકથાના ત્રીજા દિવસે સોમવારે મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી ઉતરીને માટીના ગરબા હાથમાં લઈને ગરબા કર્યાં હતા. કથારંભે પોતાની કથાયાત્રામાં પ્રથમ વખત જ વ્યાસપીઠ પરથી ઉતરી બાપુએ, ‘મા પાવા તે ગઢથી ઉતર્યા’ ગરબા ગાયા હતા. રાસ, ગરબા, ગરબી, પદ, કીર્તન, ભક્તિ, ગીત, ફિલ્મીગીત, ભજન, ભવાઇ, ગીત એમ ગીત-સંગીતના વૌવિધ્ય સાથે મોરારિબાપુ દ્વારા થતી નૃત્ય કથા માણીને વ્યક્તિ અને સમષ્ટિએ પરમાનંદ અનુભવ્યો હતો. બાપુએ કહ્યું હતું કે, હે મા! અહીં સુધી આવ્યા હોઇએ અને કંઇ અનુભવ કર્યા વિના પાછા ફરીએ તો જીવતરમાં ધૂળ પડી! તેમણે જણાવ્યું હતું કે, અહીંથી ઉતરવું એટલે ભૈરવ જપ ખાધા વિના ભૈરવી કરતા ઉતરવું. મોરારિબાપુએ જણાવ્યું હતું કે, પોતાની કથાયાત્રાની આ ૮૪૯મી કથા છે જે પૈકી આ પ્રથમ ડાન્સિંગ કથા છે.
બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, આપણા સાહિત્યિક ગ્રંથોમાં સોળ શણગાર દર્શાવ્યા છે. બાલિકા, કન્યા, કુમારી, યુવતી, પત્ની, માતા, સૌભાગ્યવતી અને વિધવા સ્વરૂપે માતૃ શરીરના સોળ શણગારનું સાહિત્યમાં દર્શન થાય છે.