જામનગર: ગાંધી જયંતી નિમિત્તે ગાંધીવિચારોને જીવંત કરવા શ્રદ્ધા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે પ્રામાણિકતાની દુકાન ખોલી હતી. જેમાં કોઈ વેપારી ન હતા, લોકો જાતે જ વસ્તુની ખરીદી કરી તેની કિંમત શુલ્ક પેટીમાં નાખવાની હતી. પરંતુ આ સરાહનિય પ્રયાસને લોકોની લાલચુ વૃત્તિએ અવગણ્યો હોય તેમ રૂ. ૧,૪૨,૦૦૦ની ખરીદી સામે લોકોએ શુલ્ક પેટીમાં માત્ર ૫૬,૨૭૦ નાંખતા ૮૫૦૦૦ની સંસ્થાને ખોટ પડી છે. ત્યારે કહી શકાય કે પ્રામાણિકતાની પરીક્ષામાં જામનગર ફેલ થયું છે. જોકે આ બાબત આખા જામનગરને લગતી વળગતી નથી પરંતુ જે જામનગરવાસીઓ વગર પૈસે ખરીદી કરી લીધી છે તેમને લાગું પડે છે.
પ્રામાણિકતાની આ દુકાનમાં ઘરગથ્થુ વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુ, પુસ્તકો, કપડાં વગેરે ડીસ્કાઉન્ટના ભાવે રાખવામાં આવ્યા હતા. જેના પૈસા લોકોએ જાતે જ પેટીમાં નાખી પ્રામાણિકતાનું ઉદાહરણ પુરું પાડવાનું હતું. પ્રામાણિકતાની દુકાનમાંથી લોકોએ વસ્તુઓ ધડાધડ લીધી હતી પરંતુ પૈસા ન નાખી અપ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડતા આયોજકેને રૂ. ૮૫૦૦૦માં સત્યનો પ્રયોગ ભારે પડ્યો હતો અને ગાંધી વિચારો માત્ર કાગળ પૂરતા હોવાનો અનુભવ થયો હતો.
જામનગરની શ્રદ્ધા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીએ એક અનોખી શ્રદ્ધાંજલિ પ્રામાણિકતા સાથે આપવા માટે પ્રામાણિકતાની દુકાનનું આયોજન ડીકેવી સર્કલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં હેલ્મેટ, મિક્સર, મેડિકલ વસ્તુઓ, બુક, ડ્રેસ, શર્ટપીસ, પેન્ટપીસ, કુકર સહિતની ગૃહઉપયોગી વસ્તુઓ તદ્દન વાજબી ભાવે રખાઈ હતી. આ દુકાનમાં વસ્તુઓ સામે તેના ભાવના ટેગ હતા અને એક શુલ્ક બોક્સ રખાયું હતું. જેમાં જે વસ્તુની ખરીદી કરીએ તેના નાણા લેવામાંં પ્રામાણિકતા રાખવાની હતી. આથી વસ્તુઓ પૈસા લેવા માટે કોઈ વ્યક્તિ રાખવામાં ન હતાં.
ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટના પ્રમુખ આનંદભાઈ દવેએ જણાવ્યું હતું કે, અમને જામનગરના લોકોની પ્રામાણિકતા પર કોઈ શંકા ન હતી. પરંતુ જે રીતે અમારી સાથે બન્યું તે અમારા માટે ખૂબ જ આઘાતજનક છે. અમારી નાની સંસ્થાને મોટી ખોટ જવા સાથે મોટો અનુભવ પણ થયો છે. લોકોએ વસ્તુઓ લઈને અમને છેતર્યાં છે.