રાજકોટઃ પ્રમુખ સ્વામી મહારાજની ૯૮મી જન્મજયંતી નિમિત્તે રાજકોટ નજીક મોરબી-માધાપર રોડ પર ૫૦૦ એકરમાં સ્વામીનારાણ નગર ઊભું કરવામાં આવ્યું છે. પાંચમી નવેમ્બરથી શરૂ થયેલા આ દસ દિવસીય મહોત્સવમાં આશરે ૮૦૦ સંતો, ૨૨૦૦૦ હજાર સ્વયંસેવકો અને વીસથી વધુ દેશના વિદેશવાસી ભક્તોની હાજરીનાં અહેવાલ છે. આશરે એકવીસ લાખથી વધુ હરિભક્તો આ મહોત્સવમાં જોડાયા છે તેવી જાહેરાત કરાઈ છે.
ચોથી નવેમ્બરે આ મહોત્સવની આખરી તૈયારીને ઓપ અપાઈ ગયા પછી બીએપીએસ સ્વામીનારાયણ પંથના વડા મહંત સ્વામીની ઉપસ્થિતિમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો.
આ મહોત્સવમાં અનેક રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ સહિત અનેક મહાનુભાવો આ મહોત્સવમાં ઉપસ્થિત રહશે તેવી અને તેમના કાર્યક્રમની ઘોષણા અગાઉથી જ કરી દેવાઈ હતી. એ પ્રમાણે જ પાંચમીએ સવારે સાડા સાત વાગ્યે મહંત સ્વામી મહારાજ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શાસ્ત્રોક્તવિધિ સાથે સ્વામીનારાયણ નગરનું મુખ્ય પ્રવેશદ્વાર ખુલ્લું મૂકી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. મહંત સ્વામીની સાથે મુખ્ય પ્રધાને મુખ્ય મંદિરના દર્શન કર્યાં હતાં એ પછી હરિભક્તોએ સ્વામીબાપાની મૂર્તિનાં દર્શન કરી અલગ-અલગ પ્રદર્શન નિહાળવાનો પ્રારંભ કર્યો હતો.
મહિલા સંમેલન
મહોત્સવના બીજા દિવસે છઠ્ઠીએ નારીશક્તિ અને ઉત્કર્ષને ઉજાગર કરતું વિરાટ મહિલા સંમેલન યોજાયું હતું. મહિલા સંમેલનને માણવા હજારો મહિલા ભક્તો-ભાવિકો એકત્રિત થયાં હતાં. મહિલા સંમેલનમાં મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનાં પત્ની અંજલિ રૂપાણી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નીલાંબરીબહેન દવે ઉપસ્થિત રહ્યાં હતાં. આ દરેકનાં હરિભક્ત બહેનોએ ભાવથી સન્માન કર્યાં હતાં. મહિલા ઉત્કર્ષ અંગે આનંદીબહેને સુંદર વક્તવ્ય આપ્યું હતું.
દર્દીઓનાં રજિસ્ટ્રેશન
સ્વામીબાપાના જન્મોત્સવમાં મિની દવાખાનું પણ ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં ૯૦ જેટલા ડોક્ટર્સ ખડેપગે રહ્યા હતા. કોઈ પણ ઈમરજન્સી માટે ૪ એમ્બ્યુલન્સ અને ૨૦ બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સલામતી માટે ૨૦૦ સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા હતા. આ સાથે ૧૪૦૦ જેટલા સ્વયં સેવકો પણ મુલાકાતીઓની સલામતી માટે ખડેપગે રખાયા હતા.
હરિભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એ રીતે સુવ્યવસ્થિત આયોજન સાથે તેમના માર્ગદર્શન માટે સંતો સ્વયં સેવકો તત્પર રહેતા હતા. આ મહોત્સવમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું તો રાજકોટમાં નિષ્ણાંત તબીબો દ્વારા વિવિધ પ્રકારના રોગોને નિવારવા જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક ઓપરેશન યજ્ઞનું એક દિવસ માટે રજિસ્ટ્રેશનનું આયોજન પણ કરાયું હતું. જેમાં આશરે ૫૦૦ દર્દીઓનાં નામનું રજિસ્ટ્રેશન થયું હતું. આ ઓપરેશન આગામી મહિનામાં પૂર્ણ કરી દેવાશે.
૧૫૦૦૦થી વધુ યજમાનો
મહોત્સવમાં ૧૦મીથી ત્રણ દિવસ સુધી વિશ્વશાંતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦૦ વૈદિક યજ્ઞકુંડમાં ૧૫૦૦૦થી વધુ યજમાનોએ આહુતિ આપી. આ યજ્ઞમાં મહંતસ્વામીની પણ ઉપસ્થિત રહી હતી. સંતો અને બ્રાહ્મણોના મુખેથી વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી.
બે લાખથી વધુ ભાવિકો
મહોત્સવમાં ઝાંખી પ્રદર્શન સહિત કીર્તિદાન ગઢવી અને ઓસમાણ મીર સહિતના નામાંકિત કલાકારો દ્વારા ભક્તિસંગીત પીરસાયું હતું તો પાંચમીથી દરરોજ સવારે નાના બાળકો તેમજ વિદ્યાર્થીઓને સ્વામીનારાયણ નગરમાં પ્રવેશ અપાયો હતો અને બપોરે બે વાગ્યાથી તમામ લોકોને દર્શનનો લાભ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સિત્તેરથી એંશી હજાર હરિભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તેથી રવિવારના દિવસે આશરે બે લાખથી વધુ ભાવિકોએ સ્વામીનારાયણ નગરમાં વિવિધ ખંડ મુક્તાનંદ, નિત્યાનંદ, પરમાનંદ, સહજાનંદ, ભારતાનંદ, સેવાનંદમાં વિવિધ પ્રદર્શનનો લાભ લીધો અને પ્રમુખ સ્વામી મહારાજની ૨૭ ફૂટ ઊંચી પ્રતિમાના દર્શનનો લહાવો લીધો હતો. મહોત્સવમાં મહંતસ્વામીજીની ઉપસ્થિતિમાં આગામી વર્ષમાં આયોજિત 'અખિલ ભારતીય બાલ-યુવા અધિવેશન'નો ઉદ્ઘોષ પણ કરાયો હતો. અગિયારમી ડિસેમ્બરે, સાંજે ૭.૧૫ (ભારતીય સમય પ્રમાણે) live.baps.org પર લાઈવ વેબકાસ્ટ કરવામાં આવશે.
ભાણેજનાં લગ્ન હતા, પણ મહોત્સવ માટે ખાસ નાઈરોબીથી આવ્યો
ગોંડલના પાબારી પરિવારનાં અને આફ્રિકાનાં નાઈરોબીમાં જન્મેલા ૬૪ વર્ષીય ઘનશ્યામભાઇ કહે છે કે, ૧૨મી ડિસેમ્બરે નાઇરોબીમાં મારી સાળીની પુત્રીનાં લગ્ન હતા. ધામધૂમથી લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. પરિવારના તમામ સભ્યો નાઇરોબીમાં લગ્નની ઉજવણીમાં જોડાયાં, પરંતુ મારા માટે તો સ્વામીબાપાનો જન્મ દિવસ મહત્ત્વનો હતો. તેથી જ મહોત્સવમાં નાઈરોબીથી રાજકોટ આવી પહોંચ્યો.
નાઇરોબીમાં સિક્યુરિટી ઇક્વિપમેન્ટનો વેપાર કરતા ઘનશ્યામભાઇ કહે છે કે, તેમનો જન્મ નાઇરોબીમાં થયો હતો. તેમનું મૂળ વતન તો ગોંડલ, પણ પિતા પ્રેમજીભાઇ વર્ષોથી નાઇરોબી સ્થાયી થયા હતા. વર્ષ ૧૯૫૨થી પિતા સ્વામીનારાયણ સંપ્રદાયમાં જોડાયા ત્યારથી ઘરમાં સ્વામીનારાયણમય વાતાવરણ સર્જાયું હતું. ૧૯૯૫માં બાપા મોમ્બાસા આવ્યા ત્યારે હું અને મારો પુત્ર યોગેશ દરિયાકિનારે બાપા સાથે હતા. તે વખતે યોગેશને જેલફીશ પગમાં કરડી. બાપા યોગેશને પોતાના પગ પર બેસાડીને તેનો પગ પસવારતા રહ્યા હતા. બાપા પરમધામમાં ગયા, પરંતુ અમારા માટે તેઓ હજુ પણ હયાત જ છે. મહંતસ્વામી મહારાજમાં બાપા જોવા મળે છે. તત્ત્વ એ જ છે ખોળિયું બદલાયું છે.
મહોત્સવની સાથે સાથે...
• બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ દ્વારા ભેટઃ ૨૦ યુવતીઓએ અલગ અલગ નાની મોટી વસ્તુ બનાવી અને ભેટરૂપે બાલિકાઓને આપી હતી.
• બીએપીએસ રાજકોટ યુવતી પ્રવૃત્તિ દ્વારા શહેરના ૫૦ વૃદ્ધાશ્રમો અને અનાથ આશ્રામની મુલાકાત લીધી હતી. જેમાં ૩૦૦ વૃદ્ધો અને ૪૦૦ જેટલાં બાળકોને ભેટ આપી હતી.
• બીએપીએસ રાજકોટના હરિભક્તોએ નવા જૂનાં વસ્ત્રો એકત્રિત કરી વ્યવસ્થિત રીતે સાફ કરીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોચાડવાનું નક્કી કર્યું હતું. આ માટે ૮૦થી વધુ યુવતીઓએ ૨૫ હજારથી વધારે વસ્ત્રો એકઠા કરી વસ્ત્રોનું વિતરણ કર્યું હતું.
• સાત દિવસીય પર્વમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન, પ્રશ્નોત્તરી, એક પાત્રીય અભિનય, સમૂહગાન અને વકૃત્વ સ્પર્ધાઓમાં ૩ હજારથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.