રાજકોટઃ ઉપલેટા તાલુકાનાં પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત ૨૦મી રાષ્ટ્રકથા શિબિરની ૧૩મીએ પૂર્ણાહુતિ થાય એ પહેલાં મધરાત્રે મહિલા વિભાગમાં શોર્ટસર્કિટથી ભયાવહ આગ ભભૂકી ઉઠી હતી. જેમાં ૫૦ ટેન્ટ ભસ્મીભૂત થઈ ગયા હતા. ભીષણ અગ્નિ-તાંડવમાં ત્રણ શિબિરાર્થી વિદ્યાર્થિનીઓનાં કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા અને ૨૨ યુવતી ઘાયલ થઈ હતી. આ ઉપરાંત ૪૦ જેટલી યુવતીઓને ધુમાડાની અસર અને ગભરામણ થવાથી સારવાર આપવી પડી હતી. આર્મીનાં જવાનો પણ શસ્ત્ર પ્રદર્શની માટે સદનસીબે અહીં હાજર હોવાથી સમયસર રેસ્ક્યુ ઓપરેશન થતાં ૩૦૦ જેટલી યુવતીઓને આગની જ્વાળાઓ વચ્ચેથી બચાવી લેવાતા મોટી જાનહાનિ થતાં અટકી હતી. ગંભીર દુર્ઘટના અંગે વહીવટી તંત્ર દ્વારા સરકારને પણ રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. ઉપલેટા પાસેનાં પ્રાંસલા ગામે છેલ્લા ૨૦ વર્ષથી વૈદિક મિશન શાળાનાં માધ્યમથી સ્વામી ધર્મબંધુજી દ્વારા રાષ્ટ્રકથા શિબિર યોજવામાં આવી હતી. જેમાં યુવાઓને પ્રાચીનથી માંડીને અર્વાચીન યુગ સાથે તાલ મિલાવવા ભારતભરમાંથી આવતા નામાંકિત મહાનુભાવો દ્વારા દિશાસૂચન આપવામાં આવ્યું હતું. આ વર્ષે પણ રાષ્ટ્રકથા શિબિરમાં ૧૬ હજાર જેટલા યુવાનો-યુવતીઓ જોડાયા હતા.
૩ તરુણી ભડથું થઈ ગઈ ને તમને નિરાંત ઊંઘ કેવી રીતે આવે?
ત્રણ કિશોરીઓ ભડથું બનવાની ઘટના સાથે આ શિબિરમાં હજારો વિદ્યાર્થીઓની અસલામતીને લઈને સવાલ ખડા થયા છે. આ શિબિરના આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોની હાજરીને કારણે અવ્યવસ્થાઓ પર સવાલ ઉઠાવવાની હિંમત કોઈ નહોતું કરતું તેવું લોકોનું માનવું છે. ભૂતકાળમાં ડિમોલિશન મેન તરીકે જાણીતા બનેલા જી. આર. ખેરનારે સ્વામી ધર્મબંધુના ટ્રસ્ટ અને તેમની નીતિરીતિ સામે સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે, ત્રણ દીકરીઓ ભડથું થઈ ગઈ ને તમને ઊંઘ કેવી રીતે આવે? બીજી બાજુ શિબિરમાં આગ લાગવાની દૂર્ઘટનામાં મૃત્યુ પામેલી ત્રણ કિશોરીઓ પ્રત્યે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સંવેદના વ્યક્ત કરીને તેમના પરિવારજનોને મુખ્ય પ્રધાન રાહતનિધિમાંથી રૂ. ૪ લાખની સહાયની જાહેરાત કરી છે.