પોરબંદરઃ બિહારથી પ્રેમી સાથે નાસી છૂટેલી અને પ્રેમીએ તરછોડી મૂકેલી યુવતીને તાજેતરમાં પરિવારને સોંપવામાં આવી હતી. બિહારથી યુવતીને ભગાડીને ગુજરાતમાં એકલી મૂકીને તેનો પ્રેમી નાસી ગયો હતો. યુવતી પોરબંદરના રાણકંડોરણા ગામથી મળી આવી હતી એ પછી પોરબંદર મહિલા અને બાળવિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તેને સાચવવામાં આવી હતી.
સખી વન સ્ટોપ સેન્ટર – પોરબંદર તરફથી મળેલી માહિતી પ્રમાણે બિનાદેવી પવનસિંહ પંડિત બિહારનાં છે. તેને કોઈ યુવક સાથે પ્રેમસંબંધ હોવાથી તેની સાથે તે ગુજરાત આવ્યાં હતાં. યુવક તેમને એકલા મૂકીને ભાગી ગયો હતો. રાણાકંડોરણા ગામના પેટ્રોલ પંપ આજુબાજુ તે ફરતાં હતાં ત્યાં કોઈ સેવાભાવીએ ૧૮૧ મહિલા હેલ્પલાઈનની મદદથી તેમને વન સ્ટોપ સેન્ટર પહોંચાડ્યા હતા.
સેન્ટર પર આવ્યા બાદ વાતચીત કરતાં જણાયું કે, તેની માનસિક સ્થતિ સારી નથી. તેથી સેન્ટર મારફતે મનોચિકિત્સકની ટ્રીટમેન્ટ લેવડાવવામાં આવી હતી. એ પછી તેમના વતન અને પરિવાર વિશે માહિતી મેળવવામાં આવી હતી. વન સ્ટોપ સેન્ટર મુઝફ્ફરપુરની મદદ લઈ યુવતીના પરિવારનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તે લોકો બહેનને લેવા આવી શકે તેમ ન હોવાથી વન સ્ટોપ સેન્ટર પોરબંદર મારફતે બહેનને લેવા માટે તેમના બનેવી આવવાના તેમજ બહેન અને તેના બનેવીને જવાની ટિકિટ આપવામાં આવી હતી. રસ્તામાં ખર્ચ માટેની સગવડતા પણ કરાઈ હતી.
બહેનને સેન્ટર પર ૪૫ દિવસ આશ્રય આપ્યા બાદ પરિવારજનો સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું.