રાજકોટઃ શિક્ષણનાં ઉત્કર્ષ માટે કાર્યરત પ્રોજેક્ટ ‘લાઈફ’ દ્વારા રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ૧૦૮ પ્રાથમિક શાળાના નિર્માણના સંકલ્પ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગોદાવરી ગામે ૬૯મી શાળાનું લોકાર્પણ ખાસ અમેરિકાથી આવેલા દાતા પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં કરાયું હતું. જેમના નામે આ શાળાનું નિર્માણ કરાયું છે તે ડોલરબહેન ચીમનલાલ દોશીના હસ્તે જ લોકાર્પણવિધિ કરાઈ હતી. આ પ્રસંગે ડોલરબહેન દોશી ઉપરાંત ડો. રજનીકાંત મહેતા અને પ્રીતિબહેન મહેતા (પીટ્સબર્ગ), ડિમ્પલભાઈ દોશી અને બીનાબહેન દોશી (ન્યૂ જર્સી), ડો. રાજેશ પટેલ અને માયાબહેન પટેલ (ન્યૂ યોર્ક), ગુજરાત સમાચાર-એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી સી. બી. પટેલ (લંડન), કિશોરભાઈ દોશી અને જાગૃતિબહેન દોશી (મુંબઈ), દર્શકભાઈ દોશી (અમેરિકા), વિનોદભાઈ વોરા અને પન્નાબહેન વોરા, ‘લાઈફ’ના મેનેજિંગ ટ્રસ્ટી શશિકાંતભાઈ કોટિચા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ. જી. રથવી, મૂળી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વી. ડી. સુથાર, જાણીતા ગાયિકા માયાબહેન દીપકભાઈ, કિરીટભાઈ વસા અને રાજકોટના વેજાભાઈ રાવલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ડિમ્પલભાઈએ શાળા નિર્માણમાં સહયોગની તક આપવા બદલ ‘લાઈફ’ સંસ્થાનો આભાર માન્યો હતો. ડિમ્પલભાઈએ કહ્યું હતું કે, પ્રાથમિક શાળાના બાળકો માટે શાળા બનાવવાનું ડોલરબહેનનું સપનું હતું અને તે પૂરું થયું છે, પરંતુ હું એમ કહીશ કે આ તો હજુ સપનાંની શરૂઆત છે. આ પ્રસંગે ડિમ્પલભાઈ દોશીએ વિદ્યાર્થીઓને શિક્ષણ માટેના શપથ ગ્રહણ પણ કરાવ્યા હતા.
આ પ્રસંગે લંડનથી ખાસ આવેલા સી. બી. પટેલે વિદેશમાં રહેતા હોવા છતાં વતનનું ઋણ ચૂકવી રહેલાં મહેતા અને દોશી પરિવારને અભિનંદન આપ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, જૈન સમાજ સખાવતમાં હંમેશા અગ્રેસર રહે છે. પૈસા કમાવાનું અને સતકાર્યો પાછળ વાપરવાનું જૈન સમાજ પાસેથી શીખવું જોઈએ. પ્રાથમિક શિક્ષણ એ જીવનનો પાયો છે અને કોઈ પણ બાળક શિક્ષણમાંથી વંચિત ન રહેવું જોઈએ.
સૌરાષ્ટ્રમાં પાંચ પ્રાથમિક શાળાના નિર્માણ માટે સહયોગ આપનારા ડો. રજનીકાંત મહેતાએ બાળકોને શિક્ષણ ઉપરાંત વ્યસનમુક્તિનાં પાઠ ભણાવવા અનુરોધ કર્યો હતો. ડો. રાજેશ પટેલે પોતાના પ્રવચનમાં બાળકોને સારું શિક્ષણ લઈ દેશનાં શ્રેષ્ઠ નાગરિક બનવા શુભેચ્છા આપી હતી. રાજકોટના વેજાભાઈ રાવલિયાએ પણ દાતા પરિવારનો આભાર માની શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું.
કાર્યક્રમમાં લાઈફ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શશિકાંતભાઈ કોટિચાએ સંસ્થાની પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ગુજરાતનાં ભૂકંપ બાદ તેમણે જોયું કે મોટાભાગની પ્રાથમિક શાળાઓ જર્જરિત હાલતમાં છે અથવા પડી ગયેલી છે. આથી તેઓને આ શાળાઓનું નવનિર્માણ કરવાની પ્રેરણા થઈ અને સમયાંતરે આર્થિક સહાય મળતાં શાળા નવનિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવેલું જેમાં ગુજરાત રાજ્યની સરકારે પણ મદદ કરી. આજ સુધીમાં પ્રોજેક્ટ લાઈફ હસ્તક કુલ ૬૯ શાળાઓ નવનિર્માણ કરી સરકારને અર્પણ કરવામાં આવેલી છે.
‘લાઈફ’ના ચીફ પ્રોજેક્ટ ઓફિસર ઋષિકેશ પંડ્યાએ સંદેશાવાંચન કર્યું હતું. રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી તરફથી પણ એક સંદેશો લાઈફ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શશિકાંતભાઈ કોટિચાને મોકલાયો હતો. જેમાં દાતા કુટુંબનો આભાર વ્યક્ત કરાયો હતો. આ ઉપરાંત લાઈફ એજ્યુકેશન સેન્ટરની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.