રાજકોટ: સૌરાષ્ટ્રના જાણીતા અખબાર ફૂલછાબના ૯૬મા જન્મદિને રાજકોટમાં હેમુગઢવી હોલ ખાતે મોરારિબાપુના હસ્તે સમાજસેવા માટે મનસુખભાઈ સુવાગીયા, કૃષિ-પર્યાવરણ માટે હિરજીભાઈ ભીંગરાડિયા, ઉદ્યોગમાં વિકાસ માટે સુરેશભાઈ સોમપુરા, કલા-સાહિત્ય માટે પ્રતાપસિંહ જાડેજા અને રમતગમત માટે ભરતભાઈ દવેનું શિલ્ડ તથા રૂ. ૫૧,૦૦૦ અર્પણ કરીને સન્માન કરાયું હતું. આ પ્રસંગે ફૂલછાબના તંત્રી કૌશિક મહેતા લિખિત પુસ્તક ‘લેટર ટુ ડોટર’નું મોરારિબાપુના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
મોરારિબાપુએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ફૂલછાબના સંસ્કારમાં પાંચ પત્રોના ગુણ ભળેલા છે. તુલસીની પવિત્રતા, બિલ્વનો રસ, મહેંદીનો લાલ રંગ, પીપળાનું કંપન અને વડલાનો વિશ્વાસ.