રાજકોટઃ શહેરના કેટલાક પાન પાર્લર્સ ફાયર પાન નામે પ્રખ્યાત પાનમાં અત્યંત જોખમી અને જ્વલનશીલ પદાર્થ થિનરનો ઉપયોગ કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. થિનરનો ઉપયોગ વોલ કલરને પાતળો કરવા માટે થાય છે, પણ તે પેટમાં જતાં જ આંતરડા ફાડી શકે એ હદે જ્વલનશીલ હોય છે.
મહાપાલિકાની આરોગ્ય શાખાએ મીડિયાને દસમીએ જણાવ્યું કે, રાજકોટના કેટલાક પાન પાર્લર પાનને ચટાકેદાર બનાવવા માટે થિનર ઉપરાંત કેટલાક અન્ય કેમિકલ અને અખાદ્ય સામગ્રીનો ઉપયોગ પણ કરે છે. ગેલેકસી અને કૈરવી નામના લોકપ્રિય પાન પાર્લરમાં મહાપાલિકાની આરોગ્ય શાખાની ટીમે દસમીએ દરોડો પાડતાં ૬૩ કિલો મીઠા પાનનો વાસી મસાલો, ૧૫૦૦ નંગ વાસી પાન, ૨૦ બોટલ સિરપ અને ૪ કેરબા અન્ય દૃવ્યો, ૩ કિલો ચેરી, ૬ કિલો ચેરીબેરી, ૨ કિલો કોપરાનું ખમણ, ૩ કિલો મીઠી સોપારી, ૧ કિલો ચોકલેટ પાન, ૩ કિલો જેલી, ૩ કિલો ગુલકંદ વાસી જણાતા તેનો નાશ કર્યો હતો.