રાજકોટઃ ધોરાજીના સુપેડી ગામે યુવતીએ લગ્નના ફેરા પહેલાં તાજેતરમાં કોલેજની પરીક્ષા આપી હતી. યુવતીના અભ્યાસ પ્રેમને લોકોએ બિરદાવ્યો હતો.
સુપેડી ગામે રહેતી અને ઉપલેટા અભ્યાસ કરતી ચાંદનીના સમાજના રીત રિવાજ મુજબ લગ્ન ગોઠવાયેલા હતા. ચાંદનીએ અભ્યાસને મહત્ત્વ આપતાં લગ્નના દિવસે જ ૨૯મીએ પ્રભુતાના પગલાં પાડે તે પહેલાં નવવધૂના શણગારમાં કોલેજની પરીક્ષા આપી હતી ત્યારબાદ પોતાના લગ્ન મંડપમાં લગ્ન વિધિમાં ગઈ હતી.
ચાંદનીએ નવવધૂના સાજ - શણગાર સાથે ઉપલેટામાં આવેલી ભાલોડિયા મહિલા કોલેજમાં પોતાની એસ.વાય.બી.એ.ના ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા આપી હતી. આ પરીક્ષા આપ્યા બાદ તે પરત સુપેડી આવી અને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
યુવતીના પિતા કિરણદાસ દાણીદરિયાએ જણાવ્યું હતું કે, અમારી દીકરીને ક્યારેય અભ્યાસ ક્ષેત્રમાં ક્યારેય કોઈ રોકટોક કરી નથી. ચાંદનીને અભ્યાસ માટેની તમામ સવલતો પૂરી પાડી છે. આજે દીકરીનાં લગ્નની તારીખ અને પરીક્ષાની તારીખ એક જ દિવસે આવી હતી, પણ ચાંદની લગ્નમંડપમાં આવતાં પહેલાં પરીક્ષા આપવા ઉપલેટા પહોંચી હતી અને હોંશેહોંશે પરીક્ષા આપ્યા બાદ લગ્ન કરી પ્રભુતામાં પગલા પાડ્યા હતા.