રાજકોટઃ બજારમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તત્પર રહેનાર સૌરાષ્ટ્રના ઉદ્યોગોને બજેટમાં કેટલીક રાહત મળવાની આશા હતી. પરંતુ તેમની માંગણીનો સ્વીકાર નહીં થતાં તેઓ ઉદ્યોગકારો નિરાશ થયા છે. ટેક્સમાં રાહતથી લઇને વિદેશથી ઠલવાતા માલ પર એન્ટી ડમ્પિંગ ડયૂટીરૂપી પ્રાણવાયુ જેવા પગલાં માટે મીટ માંડીને તેઓ બેઠા હતા. પરંતુ રાજ્યની જેમ કેન્દ્રીય બજેટથી પણ આ આશા પરિપૂર્ણ થઇ નથી. મંગળ યાનમાં પણ જ્યાંના પાર્ટસનો ઉપયોગ થયો છે એવો રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ મંદીમાં છે. અખાતી દેશોને ડિઝલ એન્જિન મોકલતા ઉદ્યોગકારો હોય કે દેશ-વિદેશની મોટરકારના વિવિધ પાર્ટસ બનાવતા એકમો હોય, રાજકોટના ત્રણેક હજારમાંથી મોટાભાગના એકમ લઘુ ઉદ્યોગની શ્રેણીમાં આવે છે. વાર્ષિક રૂ. દોઢ કરોડના ઉદ્યોગને ટેકસ બેનિફિટ માટેની મર્યાદા વધારીને પાંચ કે કમસેકમ ત્રણ કરોડ કરવાની માંગણી પણ સ્વીકારવામાં આવી નથી.
વાર્ષિક રૂ. ૧૫૦ કરોડનું ટર્ન ઓવર ધરાવતા મોરબીના સિરામિક ઉદ્યોગને મોંઘો ગેસ અને ઊંચા વેટની સમસ્યા ઉપરાંત ૧૨ ટકા જકાતથી હરિફાઈમાં ટકવું મુશ્કેલ થયું છે. આ એકસાઈઝ ઘટાડીને ૮ ટકા કરવાની રજૂઆત તથા ચાઇનીઝ ટાઇલ્સ ઉપર ૧૫-૨૦ ટકા એન્ટી ડમ્પીંગ ડયૂટી લાદવા અંગે પણ કંઇ પગલાં લેવાયા નથી. જામનગરના બ્રાસ પાર્ટ ઉદ્યોગે પણ સ્ક્રેપ પર ૫-૧૦ ટકા એન્ટી ડમ્પિંગ ડયુટી જરૂરી ગણાવી હતી પરંતુ તેનો પણ સ્વીકાર થયો નથી થયું. ઉપરાંત એકસાઇઝ ડયુટી ૨૦ ટકા તોતિંગ હતી તે યથાવત રહી છે.