પોરબંદરઃ શહેરની મેઘાણી સોસાયટીમાં રહેતા ૧૪ વર્ષના મુસ્લિમ કિશોર મુનીરે રક્ષાબંધન અદ્ભુત રીતે ઊજવી હતી. બે વર્ષ પહેલાં મુનીરનો એક્સિડન્ટ થયો હતો. એમાં તેના બન્ને હાથ કપાઈ ગયાં હતાં. એ પછી મુનીરે બધાં જ કામ પગથી કરવાનાં શરૂ કર્યાં. મુનીરનો આત્મવિશ્વાસ જોઈને તેની આસપાસ રહેતાં લોકોમાં પણ વિશ્વાસનો સંચાર થયો છે. કિશોર મુનીરનો આત્મવિશ્વાસ જોઈને બહેનોએ તેને પગે રાખડી બાંધી હતી.
હાથ નથી પણ હૈયે હામ
મુનીરની સોસાયટીમાં રહેતી બહેનોએ મુનીરની ધગશ અને આત્મવિશ્વાસને બિરદાવતાં મુનીરને રાખડી આપવાનું નક્કી કર્યું હતું. બધી બહેનો ગઈ પણ ખરી ત્યારે મુનીરે સામેથી જ કહ્યું કે કાં તો આ કપાયેલા હાથે રાખડી બાંધી દો ને કાં જો તમને વાંધો ન હોય તો મારા પગ પર બાંધી દો. બધી બહેનોએ મુનીરના પગ પર જ રાખડી બાંધી અને મુનીરના પગના અંગૂઠાને તિલક કરીને એની આરતી પણ ઉતારી હતી.