જૂનાગઢ: શુક્રવારે ધ્વજારોહણ સાથે ગરવા ગિરનારની ગોદમાં શરૂ થયેલા મહાશિવરાત્રીના મેળાનું મંગળવારે મધરાતે મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે સમાપન થયું હતું. દેશભરમાંથી આવેલા વિવિધ અખાડાઓના સાધુસંતો નાગા બાવાઓના નેતૃત્વમાં નીકળેલી શોભા-યાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. બમ બમ ભોલેના ગગનભેદી નારા વચ્ચે મધરાતે બાવાઓએ કુંડમાં ડૂબકી મારીને પવિત્ર સ્નાનનો પ્રારંભ કરાવ્યો હતો. પાંચ દિવસના મેળા દરમિયાન દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.
મેળાના પ્રથમ દિવસે ભાવિકોની હાજરી પ્રમાણમાં ઓછી વર્તાતી હતી. જોકે બાદમાં ભીડ જામવા લાગી હતી. તળેટીમાં એકાદ લાખ લોકો ઉમટતા અન્નક્ષેત્રો ધમધમી ઉઠયા હતા. રવિવારે ભાવિકો અને સાધુ-સંતોનાં ટોળાં ઊભરાતાં છ કિમી માર્ગ ઉપર ખાનગી વાહનો માટે પ્રવેશબંધી લદાઈ હતી. જિલ્લા તંત્ર દ્વારા મંગળનાથ બાપુના આશ્રમ સામે બનાવાયેલા સ્ટેજ ઉપરાંત ભારતી આશ્રમ, રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ, લક્ષ્મણ બારોટના ઉતારા સહિતના સ્થળોએ રાતભર ભજન અને સંતવાણીના સૂરમાં ભક્તો સંતો લીન થાય છે.