પોરબંદરઃ બરડા પંથકમાં ૧૦મી ઓક્ટોબરે રાત્રે ૧.૦૦ વાગ્યાથી સવારે ૧૦.૦૦ વાગ્યા સુધીમાં ભૂકંપના વધુ ચાર આંચકા આવતા અડવાણા, સોઢાણા, ભોમિયાવદર વિસ્તારમાં ભયનો માહોલ પ્રસર્યો છે. આ આંચકાઓની તપાસ અર્થે રાજ્યકક્ષાએથી ટીમ મોકલવામાં આવે તેવી માગ ઊઠી છે. પોરબંદરના બરડા પંથકના ગામડાંઓમાં આઠમી ઓક્ટોબરથી ભૂકંપના સતત આંચકાઓ નોંધાઈ રહ્યા હતા. જેમાં ૧૦મીના ચોવીસ કલાકમાં ૧.૮થી ૩ની તીવ્રતાવાળા વધુ ૪ આંચકા આવતા નવી ફોલ્ટલાઈન આ વિસ્તારમાં સક્રિય થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોરબંદરના સીમર અને ભોમિયાવદર વચ્ચે ૯મી ઓક્ટોબરે સાંજે ૪.૯ની ઊંડાઈએ ૩.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. સતત બીજા દિવસે ધડાકો થતાં અને જમીનમાં ધ્રુજારી થતાં બરડા પંથકના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.