બરવાળાઃ રોજીદ ગામમાં આવેલા સ્વામીનારાયણ મંદિરના સાધુએ મંદિરમાં અને તેમના ઘરે કચરા-પોતા કરવા માટે બોલાવેલી સગીરા પર બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ઘરકામ માટે બોલાવેલી સગીરા પર સાધુએ સતત ચાર દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ રોજીદ ગામની સગીરાએ બરવાળા પોલીસ સ્ટેશનમાં કરી છે. જોકે સાધુ ફરાર હોવાથી પોલીસે સાધુને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે.
બરવાળા તાલુકાના રોજીદ ગામમાં આવેલા સ્વામીનારાયણ મંદિરના સાધુ ઋષિપ્રસાદદાસજી ગુરુશાસ્ત્રી રામદાસજી સંત છે. આ સાધુ દ્વારા ત્રણ મહિના પહેલા રોજીદ ગામની સગીરાને સ્વામીનારાયણ મંદિરમા કચરા પોતા કરવા તેમજ સાધુના ઘરે કચરા પોતા કરવા માટે સગીરાને બોલાવી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો તેમજ આ ઘટના અંગે જો પરિવારજનોને કે અન્ય કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ઘમકી પણ આપી હતી.
સાધુની ધમકીથી ગભરાઈ ગયેલી સગીરાએ સાધુ દ્વારા ગુજારવામાં આવેલા બળાત્કાર અંગેની જાણ ઘર પરિવારને કરી નહોતી, પરંતુ સગીરાને બજારમાં નીકળતી જોતા સાધુ તેની આગળ પાછળ ફરતો અને કચરા-પોતા કરવા કેમ નથી આવતી એવું કહી પીછો કરતો હતો. આખરે સાધુથી પરેશાન થઈને પીડિત સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
વડતાલ સંપ્રદાયમાંથી હાંકી કઢાયા હતા
રોજીદ ગામે સ્વામીનારાયણ મંદિર આશ્રમમાં રહેતા ઋષિપ્રસાદદાસજી ગુરુશાસ્ત્રી રામદાસજીએ અગાઉ વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયમાં દીક્ષા લઈ સાધુનો ભેખ ધારણ કર્યો હતો, પરંતુ વર્ષ ૨૦૦૮-૨૦૦૯માં વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયમાંથી તેને છૂટા કરવામાં આવ્યા હતા. ત્યારથી સાધુ રોજિદ ગામમાં આશ્રમ બનાવી રહેતો અને મંદિરમાં પૂજા કરતો હતો.