બળાત્કાર કેસના આરોપી ખિરસરા ઘેટિયાના સ્વામી વોન્ટેડ જાહેર

Sunday 04th August 2024 05:15 EDT
 
 

રાજકોટ: જિલ્લાના ઉપલેટા તાલુકાના ખિરસરા ઘેટિયા ગામે ગુરુકૂળમાં રાજકોટની યુવતી પર અનેક વખત દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપી સ્વામીનો આજ સુધી અતોપતો લાગ્યો નથી. હવે કોર્ટે આ સ્વામીને વોન્ટેડ જાહેર કર્યા છે.
કેસની વિગત મુજબ રાજકોટની યુવતીને પ્રેમજાળમાં ફસાવી ખિરસરા ઘેટિયા ગુરુકૂળના સ્વામી ધર્મસ્વરૂપદાસે અનેક વખત ખિરસરા બોલાવી તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં યુવતીને ગર્ભ રહી જતાં દવા આપીને ગર્ભપાત કરાવી નાખ્યો હતો. આ બનાવ અંગે યુવતીએ પોલીસમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં સંડોવાયેલા આરોપી ધર્મસ્વરૂપદાસ સ્વામીને પકડવા અનેક સ્થળે દરોડા પાડ્યા હતા પરંતુ આરોપી મળી આવ્યો નહોતો. આથી પોલીસે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરી સ્વામીને વોન્ટેડ જાહેર કરવા માંગણી કરી હતી.
આથી અદાલતે પોલીસ પેપર્સના આધારે બળાત્કારના ગુનામાં સંડોવાયેલ ધર્મસ્વરૂપદાસ સ્વામીને વોન્ટેડ જાહેર કરીને તેની સામે વોરન્ટ ઈસ્યુ કર્યુ છે. જેના આધારે દેશના તમામ એરપોર્ટ અને આઈબીને આરોપી અંગે જાણ કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter