અમદાવાદઃ જૂનાગઢના આરટીઆઈ એક્ટિવિસ્ટ ૩૫ વર્ષીય અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિત ૭ આરોપીને સીબીઆઈ જજ કે. એમ. દવેએ હત્યા અને ગુનાઇત કાવતરા હેઠળ છઠ્ઠી જુલાઇએ દોષિત ઠરાવ્યા છે.
આરોપીઓને ૧૧ જુલાઈએ સજા સંભળાવવાનો નિર્દેશ કર્યો છે. દોષિત દિનુ બોઘાને તેમના ફાર્મહાઉસના નોકર રામા હાજાની જુબાની ભારે પડી છે. દિનુ બોઘા સહિત સજા પામેલા આરોપીમાં તેમનો ભત્રીજો શિવા સોલંકી, શૈલેષ પંડ્યા, બહાદુરસિંહ વાઢેર (કોન્સ્ટેબલ), શિવા પંચાલ, સંજય ચૌહાણ અને ઉદાજી ઠાકોરનો સમાવેશ થાય છે.
અમિત જેઠવાની ૨૦ જુલાઈ ૨૦૧૦ના રોજ હાઈ કોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પલેક્સ પાસે બાઇક પર આવેલા બે જણાએ ગોળી મારી હત્યા કરી હતી. આ કેસમાં અનેક કાનૂની લડાઈ બાદ સીબીઆઈને તપાસ સોંપાઈ હતી. સીબીઆઈના ડીઆઈજી અરુણ બોથરાએ ૫ નવેમ્બર ૨૦૧૩ના રોજ દિનુ બોઘાની ધરપકડ કરી ૪ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને બોઘા સહિત ૭ આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
આ કેસની ટ્રાયલ દરમિયાન ૧૫૫ સાક્ષી ફરી ગયા હતા. હાઈ કોર્ટમાં હુકમથી ૨૭ સાક્ષીની રિટ્રાયલ કરાઈ હતી, પરંતુ આ સાક્ષીઓ બીજી વખત પણ જુબાનીમાંથી ફરી ગયા હતા. જોકે કોર્ટે મહત્ત્વના સાક્ષી રામા હાજા અને સમીર વોરાની ૧૬૪ હેઠળની જુબાની, ઘટના પાસેથી મળેલું બાઇક, રિવોલ્વર, કારતૂસ, મેડિકલ પુરાવો, મોબાઇલ ફોન કોલ ડિટેલ્સ સહિતના પુરાવાને ધ્યાને રાખી આરોપીઓને દોષિત ઠરાવ્યા હોવાનું કાનૂનવિદો માની રહ્યા છે.