જૂનાગઢઃ માંગરોળ બસ સ્ટેન્ડમાંથી ૧૬મી માર્ચે એક બાંગ્લાદેશી સગીરા રડતી હાલતમાં સ્થાનિક પોલીસને મળી આવી હતી. સગીરાને જૂનાગઢ શિશુ મંગલમાં રાખીને તેની પૂછપરછ કરાઈ તો સગીરા હિન્દી ઇંગ્લિશ સમજતી નહોતી માત્ર બાંગ્લાદેશ બોલતી હતી. તેથી દુભાષિયા દ્વારા સગીરા પાસેથી માહિતી મેળવીને તપાસ કરતાં માલૂમ પડ્યું કે, બાંગ્લાદેશના ખુલના પ્રાંતની આ સગીરાને તેના માસા-માસીએ ૩ હજાર ટાકામાં બાંગ્લાદેશ બોર્ડરથી વચેટિયાને દેહવ્યાપાર કરાવવા વેચી દીધી હતી. દલાલ સગીરાને કોલકતાના લાવ્યો હતો અને બે દિવસ હાવરા રાખી હતી.
એ પછી એક અજાણ્યા યુવક મારફત તેને મુંબઇ લવાઈ જ્યાં મુંબઇના દલાલને તે સોંપવામાં આવી. એ પછી તેને અમદાવાદમાં દેહવેપારનું નેટવર્ક ચલાવતા દલાલ રાજુ ઉર્ફે શશીકાંતને સોંપી દેવાઈ હતી. અમદાવાદના દલાલે સગીરાને સાત ગ્રાહકો પાસે મોકલી દીધી હતી અને એ પછી ૧૫મી માર્ચે તેને ખાનગી કંપનીની બસમાં માંગરોળ લાવીને સેક્સ રેકેટ આચરતી વર્ષા નામની મહિલાને સોંપી હતી. માંગરોળમાં સગીરાને છ નરાધમો પાસે મોકલાઈ હતી. આ પછી સગીરા માંગરોળ એસટી સ્ટેન્ડે પહોંચી ગઈ હતી.
લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ અને માંગરોળ પોલીસની ટુકડીઓ બનાવી ત્વરિત અમદાવાદના દલાલ રાજુ, માંગરોળની વર્ષા અને આસરો આપનાર જીવણ મોઢાની ધરપકડ કરી હતી. ઉપરાંત માંગરોળમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનારા છ શખસોની પણ પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.