બાંગ્લાદેશીઓ ધોરાજીની ડુંગળીનો સ્વાદ માણશેઃ ૨૨૪૦ ટન રવાના

Monday 17th August 2020 12:28 EDT
 
 

ધોરાજી: બાંગ્લાદેશના નાગરિકો હવે ગુજરાતની ડુંગળીનો સ્વાદ માણશે. પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝને રાજકોટના ધોરાજી સ્ટેશનેથી તાજેતરમાં ૨૪૪૦ ટન ડુંગળી સાથે પહેલી ગૂડ્સ ટ્રેન બાંગ્લાદેશના દર્શન સ્ટેશને મોકલી છે.
ગુજરાતમાંથી પહેલીવાર ૪૨ વેગન (ડબ્બા) સાથેની કોઈ ટ્રેન વિદેશ મોકલાઈ છે. આ ટ્રેન ધોરાજીથી રવાના થઈને લગભગ સાડા ત્રણ દિવસ એટલે કે ૭૫થી ૮૦ કલાકે ૨૪૩૭ કિલોમીટરનું અંતર કાપીને બાંગ્લાદેશ પહોંચી હતી. ઓગસ્ટમાં તબક્કાવાર વધુ ૩થી ૪ ગૂડ્સ ટ્રેનમાં ડુંગળી બાંગ્લાદેશ મોકલવામાં આવે તેવી શક્યતા છે. બાંગ્લાદેશ રવાના કરાયેલી પહેલી ગૂડ્સ ટ્રેનથી રેલવેને રૂ. ૪૬ લાખની આવક થશે.
રેલવે અધિકારીએ જણાવ્યું કે, પશ્ચિમ રેલવેના તમામ ૬ ડિવિઝનમાં બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની સ્થાપના કરવામાં આવી છે. ભાવનગર ડિવિઝનના આ બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ દ્વારા ધોરાજી, ઉપલેટા, ગોંડલ સહિત આસપાસના વેપારીઓ અને એપીએમસી સાથે ચર્ચા ચાલી રહી છે. આ વિસ્તારમાંથી ડુંગળી મોકલવાનો નિર્ણય કરાયો છે. બાંગ્લાદેશ માટે નિકાસનો માર્ગ ખૂલતા આ વિસ્તારના ખેડૂતોને તેનો સીધો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ ડુંગળી માટે મોટું બજાર માનવામાં આવે છે.
ભાવનગર ડિવિઝનના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના પ્રયત્નોથી સ્થાનિક ખેડૂતો, વેપારીઓ સાથે મંત્રણાના પગલે ડુંગળીના નિકાસની સ્વીકૃતિ મળતા ખેડૂતોને સીધો લાભ મળશે અને તેની સાથે જ રેલવે માટે નવો ટ્રાફિક રૂટ પણ શરૂ થશે. પશ્ચિમ રેલવેએ જણાવ્યું કે, ધોરાજીથી ૨૪૪૦ ટન ડુંગળી સાથે બાંગ્લાદેશ રવાના થયેલી પહેલી ગૂડ્સ ટ્રેન દ્વારા રેલવેને રૂ. ૪૬ લાખની આવક થવાની સંભાવના છે. ચાલુ મહિનામાં વધુ ૩થી ૪ ગૂડ્સ ટ્રેન બાંગ્લાદેશ મોકલવામાં આવે તો ડુંગળી ઉત્પાદકો અને રેલવે બંનેને માટે એ સારી આર્થિક આવક ગણાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter