જૂનાગઢઃ દેશમાં વિવિધ રાજ્યોમાં બર્ડ ફ્લૂ દેખાયા બાદ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામમાં સંખ્યાબંધ મૃત પક્ષીઓ બીજી જાન્યુઆરીએ મળી આવ્યાં છે. આ પક્ષીઓનાં મૃત્યુ પણ બર્ડ ફ્લૂથી થયાં છે કે નહીં તેની ચકાસણી માટે ૫૩ જેટલાં પક્ષી (ટિટોડી, નકટો, બગલી, બતક)ના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી અપાયા હતા.
સ્થાનિક વન્ય વિભાગે રોગચાળાને પગલે આ પક્ષીઓનાં મૃત્યુ થયાંની આશંકા દર્શાવી હતી. જોકે રાજ્યના વિભાગે ભારત સરકારની માર્ગદર્શિકાને પગલે સમગ્ર રાજ્યમાં અલર્ટ જારી કર્યું છે. રાજ્ય વન્ય વિભાગે આ અંગે જણાવ્યું કે, બાંટવામાં ટિટોડી સહિત પક્ષીઓનાં મોતની જાણ થતાં જ આ મુદ્દે એનિમલ હસ્બન્ડરી વિભાગની પણ મદદ લેવાનો નિર્ણય લેવાયો છે. માણાવદર રેન્જ ફોરેસ્ટ વિભાગે જણાવ્યું કે, આ મૃત પક્ષીઓનાં મોતનું કારણ શોધાઈ રહ્યું છે અને પીએમ સહિતની કાર્યવાહી ચાલી રહી છે.
સ્થાનિક પ્રાણીપ્રેમીઓએ જણાવ્યું છે કે, બાંટવામાં યાયાવર પક્ષીઓ પણ આવે છે. શિયાળામાં વિદેશી પક્ષીઓ આવતાં તેઓ પણ ફ્લૂ લઈને આવ્યા હોઈ શકે છે. તે અંગે પણ તપાસ થવી જોઈએ. વધુ પક્ષીઓનાં મોતને અટકાવવા તાત્કાલિક પગલાં લેવા માટે વન્ય વિભાગને અરજી કરાઈ છે.