રાજકોટઃ શહેરના ભાવનગર રોડ પર પાલિકાના બગીચામાં શ્રમિક પરિવારની માતાના પડખામાં સૂતેલી આઠ વર્ષની નિંદ્રાધીન બાળકીને ગોદડા સહિત ઉઠાવી જઈને ૨૦૦ મીટર દૂર નાળામાં બાળકી પર દુષ્કર્મ આચરવાના ગુનામાં દારૂડિયા યુવાને પોલીસે ઝડપીને તપાસ આગળ વધારી હતી.
બાબરા પંથકનો કડિયાકામ કરતો પરિવાર એકાદ મહિનાથી રાજકોટ આવ્યો હતો. ૨૮મી નવેમ્બરે આ આઠેક સભ્યનો પરિવાર મહાપાલિકાના બગીચામાં સૂતો હતો. આઠ વર્ષની બાળકી તેની માતાના એક પડખે સૂતી હતી અને તેનો બે વર્ષનો નાનોભાઇ બીજા પડખે સૂતો હતો. તે સમયે દીકરીને નરાધમ ઉઠાવી ગયો હતો.
દુષ્કર્મ બાદ નાસી ગયેલો નરાધમ હરદેવ મશરૂ સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો.
પોલીસે આરોપીની માહિતી આપનાર માટે પોલીસે રૂ. ૫૦ હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું. દુષ્કર્મી પકડાયા બાદ પોલીસે જણાવ્યું કે, પોલીસે રાજકોટના ભાવનગર રોડ પર આવેલા ભારતનગરમાં રહેતા હરદેવ મશરૂ માંગરોળીયા (ઉ. વ. ૨૫) દારૂના નશામાં શાન ભાન ગુમાવી બેસતાં તેણે આ કૃત્ય આચર્યું હતું. થોડા સમય પહેલાં રાજકોટમાં એરપોર્ટ રોડ પર દારૂના નશામાં નવરાત્રીના સમયમાં દાદીમા સાથે નીકળેલી બાળકીનું પણ એક બાઈકસવારે અપહરણ કર્યું હતું અને પછી તેની પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.
આ સ્થિતિમાં હવે પોલીસ શહેરમાં દારૂની બદીને નિયંત્રિત કરવા ગંભીરતાથી વિચારીને ઈમાનદારીપૂર્વકનું વલણ દાખવે તે જરૂરી છે. શહેરમાં બનતા અનેક ગુનાઓ પાછળ મુખ્યત્વે દારૂની બદી જવાબદાર હોય છે, પરંતુ આરોપીઓને કોર્ટમાં તેનો લાભ ન મળે તે હેતુથી પોલીસ દારૂ ઢીંચી આરોપીએ ગુનો આચર્યાનું જાહેર કરવાનું ટાળતી રહે છે.