રાજકોટ: સોશિયલ મીડિયામાં ખોટા અને સમાજમાં ડર ફેલાવે તેમજ અશાંતિ ઉત્પન્ન કરે તેવા મેસેજ ન ફેલાવવા વારંવાર કરાયેલી તાકીદ છતાં રાજ્યભરમાં બાળકોને ઉઠાવી જતી ગેંગની અફવા ફેલાવતા મેસેજ વાયરલ થતાં અનેક નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા છે અને સેંકડો લોકો મારપીટ અને યાતનાનો ભોગ બન્યાં છે. ત્યારે રાજ્યમાં સૌપ્રથમ રાજુલા પોલીસે આ પ્રકારનો મેસેજ વાયરલ કરનાર સામે ખુદ ફરિયાદી બની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ભાવનગરમાં પોલીસે લોકોને અફવામાં ન ફસાવા અપીલ કરી છે. તો ગોંડલમાં વધુ એક ધંધાર્થી યુવાનને શંકાના આધારે ૩૦મી જૂને લોકોએ માર માર્યો હતો. વેરાવળમાં ૩૦મી જૂને બાળકોને ચોકલેટ આપતી ત્રણ પર પ્રાંતીય મહિલાઓને માર માર્યા પછી પોલીસે બે મહિલાઓને નિર્દોશ છોડી હતી અને એક મહિલાની તપાસ હાથ ધરી હતી. ટીંબડી ગામ નજીક ઈકો કારમાં ૩ મહિલા અને એક પુરુષ પર લોકોને શંકા જતા ગાડી રોકાવી પુરુષ અને મહિલાને મારવા લાગ્યા હતા. જેમાં બે મહિલા જીવ બચાવવા નાસી ગઈ હતી અને એક દંપતી લોકોની ઝપટે ચઢી ગયું હતું.