પાલીતાણા: જૈનોના સુપ્રસિદ્ધ તીર્થધામ પાલીતાણામાં રહેતા અને સાધુજીવન ગાળતા ત્રણ બાળમુની રવિવારે સવારે તેના માતા-પિતા સાથે વિહાર કરતા હતા તે વેળાએ પોલીસે બાળ-મુનિઓના અપહરણની આશંકાએ તમામને અટકાવી તપાસ કરતાં ચકચાર મચી હતી. જૈન અગ્રણીઓ સોનગઢ પોલીસ મથક દોડી ગયાનો વીડિયો વાયરલ થયો હતો. તપાસમાં જણાયું હતું કે બે સાધુ બાળમુનિ તથા એક સાધ્વીજી બાળમુની પાલીતાણા-અમદાવાદ હાઈવે ઉપર આવેલ એક ધર્મશાળામાં હતા. બાળમુનિ સાધુને તેમના માતાપિતા કે જેઓ પણ સાધુજીવન ગાળે છે તેમને મળવાની ઇચ્છા થઇ હતી. આ બાબતની જાણ સાધુજીવન ગાળતા માતાપિતાને થતાં તેઓ બાળમુનિને મળવા પહોંચ્યા હતા. આ પછી સંસારી પરિવારના સભ્યો અને કાર્યકરો સહિત સહુ કોઇ બાળમુનિ સાધુને લઇને રવાના થયા હતા. આ સમુહ વહેલી સવારે પાલીતાણાથી આગળ વધતો હતો ત્યારે પોલીસે બાળમુનિના અપહરણની આશંકાએ સહુ કોઇને રસ્તામાં જ અટકાવી દઇ પોલીસ મથકે લઇ ગયા હતા. જોકે બાદમાં દૂધનું દૂધ અને પાણીનું
પાણી થઇ જતાં વિવાદ શાંત પડ્યો હતો.